ગુજરાત
News of Thursday, 28th January 2021

અમદાવાદમાં ૬૩ વર્ષીય વૃદ્ધને હાઇકોર્ટના જજનો પુત્ર હોવાનું કહ્ના બાદ દવા માટે પૈસાની જરૂરિયાત હોવાનું જણાવીને ૩૦ હજારની છેતરપિંડી

અમદાવાદ: અમદાવાદમાં ઠગાઇ કિસ્સામાં દિનપ્રતિદિન વધારો થઈ રહ્યો છે. મણીનગરમાં ઠગ યુવકે 63 વર્ષીય વૃદ્ધ રીક્ષાચાલક ફારૂકચાચાને પોતે હાઇકોર્ટ જજ બારોટ સાહેબનો પુત્ર હોવાનું કહી વિશ્વાસ જીત્યો હતો. તે પછી દવા માટે પૈસાની જરૂર હોવાનું કહી વૃદ્ધનું એટીએમ કાર્ડ પરત આવવાનું કહી લઈ ગયા બાદ રૂ.30 હજારની રોકડ ઉપાડી ફરાર થઈ ગયો હતો. બનાવ અંગે મણિનગર પોલીસે બુધવારે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

જમાલપુરના ગોળલીમડા પાસે સાગર ટાવરમાં રહેતા 63 વર્ષીય ફારૂક નજીરમોહમદ છીપા રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત તા. 12-11-2020ના રોજ ફારૂકચાચા ગુજરાત કોલેજ બ્રિજ નીચે બેઠા હતા. તે સમયે બાઈક લઈ યુવક આવ્યો હતો. આ યુવકે હું દૂધ લઈ પરત આવું પછી તમને ફોન કરું એટલે સોસાયટી પાસે આવી જજો. મારે મણિનગર થઈ ગોતા જવાનું છે.

થોડીવાર બાદ આ યુવકે હાથથી ઈશારો કરી ફારૂકચાચાને બોલાવતા તેઓ ત્યાં ગયા હતાં યુવકને બેસાડી રીક્ષા મણિનગર રેલ્વે સ્ટેશન તરફ લીધી હતી. સ્ટેશન પાસે કોમ્પ્લેક્સ નજીક રીક્ષા ઉભી રાખવી યુવકે હું દવા લઈને આવું છું,પૈસા ખૂટે તો આપજો હું તમને આપી દઈશ. કોમ્પ્લેક્સમાંથી યુવકે પરત આવી આપડે એલજી હોસ્પિટલ જવું પડશે તેમ કહ્યું હતું.

એલજી હોસ્પિટલ પહોંચતા યુવકે મારે દવામાં પૈસા ખૂટે છે તમારી જોડે કેટલા પડ્યા છે. ફારૂકચાચાએ રૂ. 5 હજાર પડયાનું જણાવ્યું હતું. યુવકે કહ્યું ચાચા હું તેવો માણસ નથી, નિવૃત્ત હાઇકોર્ટ જજ બારોટ સાહેબનો પુત્ર છું. બાદમાં યુવકે ફોન લગાવી લો ચાચા મારા પિતા જોડે વાત કરો તેમ જણાવ્યું હતું. ફારૂકચાચાએ ફોન પર વાત કરતા સામે છેડે વ્યક્તિએ , હું નિવૃત્ત હાઇકોર્ટ જજ બારોટ સાહેબ છું. મારા પુત્રને પૈસા ખૂટે તો આપજો તમે ઘરે તેણે મુકવા આવશો ત્યારે તમને પૈસા આપી દઈશ.

યુવક રૂ. 5000 હજાર રોકડ લઈ ગયો બાદ પરત આવ્યો અને બોલ્યો હજુ પૈસા ખૂટે છે, તમારી પાસે બીજા પૈસા છે. ફારૂકચાચાએ ના પાડતા યુવકએ તમારી જોડે એટીએમ હોય તો આપો જેટલા પૈસાની જરૂર હશે તે ઉપાડી તમને પરત કરી દઈશ. બાદમાં યુવક એટીએમ અને પીન નંબર લઈને ગયો હતો. ફારૂક ચાચાના મોબાઈલ નંબર પર થોડીવાર બાદ ટુકડે ટુકડે રૂ.30 હજાર ઉપડયાના મેસેજ આવ્યા પણ યુવક ઘણા સમય સુધી પરત આવ્યો ન હતો. આથી ફારૂકભાઈ છીપાએ એલજી હોસ્પિટલ સ્ટોરમાં આસપાસ તપાસ કરી પણ યુવક મળ્યો ન હોવાથી પોતાની સાથે રૂ.35 હજારની ઠગાઈ થયાનું રિક્ષાચાલક વૃધ્ધને ધ્યાને આવ્યું હતું.

રાજેસ્થાન નાગોર ખાતે સામાજીક કામે જવાનું હોય રીક્ષા ચાલક વૃદ્ધ જે તે સમયે ફરિયાદ કરી શક્યા ન હતા. મણિનગર પોલીસે તેઓની ફરિયાદ આધારે આરોપી યુવક વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(5:12 pm IST)