ગુજરાત
News of Saturday, 28th November 2020

MD નશાના ગેંગરેપ કાંડનો વધુ એક આરોપી ઝડપાયો :માલદેવ નૈનિતાલથી દબોચી લેવાયો

રાજકોટની યુવતીને નોકરીની લાલચ આપી જુદી જુદી હોટલોમાં નશાખોરોએ અનેક વખત ગેંગ રેપ કર્યો હતો

અમદાવાદ: MD ડ્રગ્સનો નશો કરી રાજકોટની 23 વર્ષીય યુવતી પરના ગેંગરેપ કાંડનો વધુ એક આરોપી માલદેવ ભરવાડ નૈનિતાલથી ઝડપાયો છે. માલદેવ ભરવાડ ગેંગરેપ કાંડનો મુખ્ય સૂત્રધાર છે. આ કેસમાં પોલીસે પાંચમાંથી કુલ ત્રણ આરોપી ઝડપી લીધા છે. અગાઉ ક્રાઈમબ્રાન્ચે સોલા પોલીસ સ્ટેશનના જમીન ઠગાઈના કેસમાં સાબરમતી સેન્ટ્રલ જેલમાં રહેલા આરોપી પ્રજ્ઞેશ હર્ષદ પટેલ અને જીતેન્દ્રપુરી બળદેવપુરી ગોસ્વામીની ગેંગરેપ કેસમાં ધરપકડ કરી હતી.

  ગેંગરેપના મુખ્ય આરોપી માલદેવ રમુભાઈ ભરવાડને ઝડપી લેવા માટે ક્રાઇમબ્રાન્ચે રાજસ્થાનના ઉદેપુર, પંજાબ અમૃતસર, લુધિયાણા, ચંદીગઢ, ઉત્તરપ્રદેશના ગોકુળ, મથુરા, બનારસ, પ્રયાગ, ઉત્તરાખંડ રામનગર અને નૈનિતાલ વગેરે સ્થળોએ તપાસ તપાસ હાથ ધરી હતી.

 દરમિયાનમાં ક્રાઈમબ્રાન્ચને આરોપી ક્રેટા લઈ ભાગતો ફરતો હોવાનીઅને હાલમાં નૈનિતાલ ખાતે હોવાની બાતમી મળી હતી, જે આધારે ક્રાઈમબ્રાન્ચના પીઆઈ જે.એન.ચાવડા, પીએસઆઈ એસ.પી.ગોહિલની ટીમે તપાસ કરી આરોપીને ઝડપી લીધો હતો. પોલીસ તપાસમાં માલદેવ વિરુદ્ધ શહેરના અસલાલી, વટવા, સોલા, ઘાટલોડિયા, સરખેજ અને સાબરમતીમાં મારામારી, પ્રોહીબિશન, જમીનની ઠગાઈ સહિતના સાત જેટલા ગુના દાખલ થયેલા છે. આ કેસમાં જયમીન પટેલ અને નીલમ પટેલની ધરપકડ કરવાની બાકી છે

 

ગેંગ રેપના કેસની વિગત મુજબ રાજકોટના 40 ફૂટ મેઈન રોડ પરની સોસાયટીમાં રહેતી કાવ્યા (નામ બદલ્યું છે)એ આરોપી પ્રજ્ઞેશ હર્ષદ પટેલ, જીતેન્દ્રપુરી બળદેવપુરી ગોસ્વામી, માલદેવ ભરવાડ, જયમીન પટેલ અને નીલમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

કાવ્યાને આરોપી માલદેવ ભરવાડે સ્નેપચેટ એકાઉન્ટ પર ફ્રેન્ડ રીકવેસ્ટ મોકલી હતી. આ રીતે પરિચયમાં આવેલા શખ્સે કોર્પોરેટ જોબ અપાવવાની લાલચ કાવ્યાને આપી અને બન્ને વચ્ચે નંબરની આપલે થઈ હતી. તે પછી માલદેવએ લોગાર્ડન રેડિશન બ્લુના કેફેમાં પ્રજ્ઞેશ અને જીતેન્દ્રપુરી સાથે કાવ્યાની મુલાકાત કરાવી હતી.

બન્ને જણા કાવ્યાને આબુમાં અમારા મિત્રે કોર્પોરેટ ઇવેન્ટ ગોઠવી છે, ત્યાં તારું કામ થઈ જશે તેમ કહી આબુ લઈ ગયા હતા. તે પછી પ્રજ્ઞેશએ મારો મિત્ર ઉદેપુરમાં મળશે તેમ કહી કાવ્યાને રેડીશન બ્લુ હોટેલમાં લઈ ગયા હતા. જ્યા બન્ને આરોપીઓએ કાવ્યાને ઠંડા પીણામાં દારૂ મિલાવી પીવડાવી દીધો અને બેહોશ કરી હતી. બાદમાં પ્રજ્ઞેશ અને જીતેન્દ્રએ કાવ્યા પર ગેંગ રેપ કર્યો, જેના ફોટા અને વીડિયો બનાવી લીધા હતા. કાવ્યા સવારે ઉઠી ત્યારે બન્ને આરોપીને અને પોતાને નગ્ન હાલતમાં જોઈ ચોકી હતી

 

બન્ને આરોપીઓએ કાવ્યાની માફી માંગી કોઈને વાત ન કરવા આજીજી કરી હતી. તે પછી કાવ્યા અમદાવાદ એરપોર્ટ ઉતરી અને સીધી ગોવા ગઈ હતી. બાદમાં પ્રજ્ઞેશ અને જીતેન્દ્રગીરી ફોન પર તેના સંપર્કમાં હતા.તે  પછી આરોપીઓએ કાવ્યાને તારા રહેવા માટે અમે ફ્લેટની અને જોબની વ્યવસ્થા કરી છે. તેમ કહી અમદાવાદ બોલાવી અને સાઉથ બોપલના ગાલા મારવેલા ફ્લેટમાં રાખી હતી.

બીજી ઓક્ટોબર 2010ના રોજ માલદેવ ભરવાડ અને પ્રજ્ઞેશ પટેલએ કાવ્યાને કહ્યું કે, તારો બાયોડેટા લઈ કોર્પોરેટ મિત્રને તારી નોકરી માટે ગાંધીધામ મળવા જવાનું છે. આ રીતે માલદેવ અને પ્રજ્ઞેશ ગાંધીધામ કાવ્યાને કારમાં લઈ ગયા હતા. જ્યા હોટલમાં માલદેવ અને પ્રજ્ઞેશએ એમડી ડ્રગ્સનો નશો કાવ્યાની હાજરીમાં કર્યો હતો.

આરોપીઓએ કાવ્યાને ઉદેપુરની હોટલમાં થયેલા ગેંગરેપના ફોટા અને વીડિયો બતાવી વાયરલ કરવાની ધમકી આપી હતી. તે પછી બન્નેએ કાવ્યા પર હોટલના રૂમમાં બે વાર ગેંગરેપ કર્યો હતો. અમદાવાદ પરત ફરતી વખતે ચાલુ કારમાં માલદેવએ એમડી ડ્રગ્સનો નશો કર્યો પિસ્તોલ બતાવી ચાલુ કારે કાવ્યા પર રેપ કર્યો હતો. બાદમાં પ્રજ્ઞેશએ એમડી ડ્રગ્સનો નશો કરવાનું શરૂ કર્યું તે સમયે પેટ્રોલ પમ્પ પર આરોપીએ ગાડી રોકી હતી.

પ્રજ્ઞેશ કારમાંથી ઉતરી પાછળની સીટ પર પહોંચે તે પહેલાં જ કાવ્યા કારમાંથી સામાન લઈ ઉતરી ગઈ અને પેટ્રોલ પમ્પ પર જતી રહી હતી. આદિપુરમાં રહેતી તેની સહેલીને ફોન કરી લેવા માટે બોલાવી અને લોકેશન મોકલ્યું હતું. બાદમાં કાવ્યા પરત અમદાવાદ આવી અને પોતાની સાથે થયેલા રેપ અંગે જીતેન્દ્રપુરીને વાત કરી હતી. જીતેન્દ્રએ તું અહીંયા જ રહે હું કોઈને વાત નહીં કરું તારી સાથે પ્રજ્ઞેશ અને માલદેવએ ખોટું કર્યું છે પણ તું કોઈને કહીશ નહીં હું બધું પતાવી દઈશ તેમ કહ્યું હતું.

થોડા દિવસો બાદ હોટેલમાં ફરી પ્રજ્ઞેશ અને માલદેવ સહિતના લોકો કાવ્યાને મળી ગયા હતા. આરોપીઓ દ્વારા જાણવા મળ્યું કે,જીતેન્દ્રપુરી આરોપી પ્રજ્ઞેશનો માણસ છે. તે પછી પણ આરોપી પ્રજ્ઞેશ, જીતેન્દ્રપુરી, માલદેવ અને જયમીને કાવ્યા પર ગેંગ રેપ કર્યો હતો. જ્યારે આરોપી નીલમ કાવ્યાનો પાસપોર્ટ અને પૈસા પોતાની પાસે રાખી મળવા માટે દબાણ કરતો હતો.

ગેંગરેપ અને બ્લેકમેઇલિંગથી કંટાળેલી કાવ્યાએ પોતાને મુક્ત કરવા આરોપીઓને આજીજી કરી હતી. જોકે આરોપીઓએ તેણે ગોંધી રાખી અને પોતાની મરજી મુજબ ઉપયોગ કરતા હતા. પ્રજ્ઞેશની પત્ની એકવાર ગાલા મારવેલા ફ્લેટ પર પહોંચી અને કાવ્યાને જોઈ ગુસ્સે થઈ હતી. તે સમયે પાંચે આરોપીઓ વચ્ચે બોલાચાલી અને તકરાર થઈ હતી. આ દરમિયાન કાવ્યા પોતાનો સામાન લીધા વગર ત્યાંથી નીકળી ગઈ અને હોટલમાં રોકાઈ હતી.

બાદમાં કાવ્યાએ આરોપીઓથી છૂટકારો મેળવવા અને ફરિયાદ કરવા ઈન્ટરનેટ પર સર્ચ કરી વકીલનો ફોન નંબર લીધો હતો. કાવ્યાએ પોતાની સાથે બનેલી ઘટના વકીલને જણાવી હતી. આખરે વકીલની સલાહ મુજબ પોલીસમાં અરજી કરતા મહિલા પશ્ચિમ પોલીસ સ્ટેશને પાંચે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

(8:01 pm IST)