કલોલના સુપર મોલ-2 નજીક જૂની અદાવતની રીસ રાખી તલવાર સાથે આવેલ પાંચ શખ્સોને યુવક પર જીવલેણ હુમલો કરતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત
કલોલ:શહેરના સુપર મોલ-ર પાસે રવિવારની મોડી સાંજે એસપીજીના પ્રમુખ ઉપર જુની અદાવતમાં તલવાર સાથે તુટી પડેલા પાંચથી વધુ શખ્સોએ જીવલેણ હુમલો કર્યો હતો અને ગંભીર રીતે ઘાયલ આ યુવાનને સારવાર માટે ગાંધીનગરની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો ત્યારે આ સંદર્ભે કલોલ શહેર પોલીસે પાંચ આરોપીઓને ઝડપી પાડયા છે અને બેની શોધખોળ શરૂ કરી છે.
ધર્મેન્દ્રભાઈ પરસોત્તમભાઈ પટેલ રવિવારે કલોલ સીટીમોલ-ર પાસે પાર્ક થયેલી કાર લેવા માટે જઈ રહયા હતા. તે સમયે આઠ મહિના જુની કલોલ હેલીપેડ ખાતે થયેલા ઝગડાની અદાવત રાખી શૈલેન્દ્રસિંહ ગોકલસિંહ સોઢા અને વિક્રમ દેસાઈ હાથમાં તલવાર તથા રવિ જગદીશભાઈ રૂપાણી પાઈપ અને ચંદ્રભાણ ગઢવી, નીખીલ સીંઘાનીયા ધોકા લઈને ધર્મેન્દ્રભાઈ ઉપર તુટી પડયા હતા. આ પાંચ શખ્સો તેમની પાછળ પહોંચીને હુમલો કરીને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી.ગંભીર ઘાયલ ધર્મેન્દ્રભાઈને સારવાર માટે કલોલની હોસ્પિટલમાં ખસેડાયા બાદ વધુ સારવાર માટે ગાંધીનગર લવાયા હતા.ત્યારે આ સંદર્ભે તેમના ભાઈની ફરિયાદના આધારે કલોલ શહેર પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો હતો. જેથી કલોલ શહેર પોલીસે નીખીલ સીંઘાનીયા, રવિ જગદીશભાઈ રૂપાણી, વિક્રમ ડી.દેસાઈ, શૈલેન્દ્ર ગોકલસિંહ સોઢા અને જીતેન્દ્ર રાઠોડને ઝડપી પાડયા હતા. જયારે ચંદ્રભાણ ગઢવી અને અશ્વિન ગઢવીની શોધખોળ પોલીસે શરૂ કરી છે.