Gujarati News

Gujarati News

News of Friday, 4th December 2020

આફ્રિકાના આ દેશમાં એડોલ્ફ હિટલરનું નામ ફિરથી ચર્ચામાં આવ્યું

નવી દિલ્હી: આખી દુનિયાને યુધ્ધની આગમાં નાંખનાર અને લાખો યહૂદીઓને મોતના મોઢામાં ધકેલનાર જર્મન તાનાશાહ એડોલ્ફ હિટલરનુ નામ ફરી એક વખત ચર્ચામાં આવ્યુ છે. આની પાછળનુ કારણ એ છે કે, આફ્રિકન દેશ નામિબિયામાં યોજાયેલી કોર્પોરેશનની એક ચૂંટણીમાં એડોલ્ફ હિટલરને જીત મળી છે.એડોલ્ફ હિટલર ઉનાના નામ ધરાવતા આ નેતાને તેમની સીટ પર 85 ટકા લોકોએ મત આપીને વિજયી બનાવ્યા છે.તેમના નામના કારણે આ નેતા આખી દુનિયામાં જાણીતા બની રહ્યા છે.

તેમના પરિવારે ભલે તેમનુ નામ હિટલર પરથી જ પાડ્યુ હોય પણ ઉનાના પોતે હિટલરના વિચારો સાથે સંમત નથી.પોતાના મત વિસ્તારમાં પણ તેમની ઈમેજ એક જેન્ટલમેન રાજકારણી તરીકેની જ છે.તેઓ કહે છે કે, હિટલરની જેમ મારો દુનિયા પર રાજ કરવાનો કોઈ ઈરાદો નથી. હિટલર નામના કારણે જર્મનીના એક અખબારે તેમનો ઈન્ટરવ્યૂ પણ લીધો છે.તેમણે તેમાં કહ્યુ હતુ કે, નાઝીવાદ સાથે મારે કોઈ લેવાદેવા નથી. જોકે આફ્રિકામાં હિટલર નામ સામાન્ય છે.બહુ લોકોના નામ હિટલર પરથી છે.કારણકે એક સમયે નામિબિયા પર જર્મનોનુ શાસન હતુ.એડોલ્ફ હિટલર ઉનાના નામિબિયાની સત્તાધારી પાર્ટીના સભ્ય છે.આ પાર્ટીએ દેશની આઝાદી માટે જે તે સમયે આંદોલન ચલાવ્યુ હતુ.

(5:07 pm IST)