Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

અનોખા લગ્ન : સેંકડો મહેમાનો આવ્યા સોશ્યલ ડિસ્ટન્સ પણ રહ્યું : બધા જમીને પણ ગયા

કાયદાનું પાલન પણ થયું અને લગ્ન પણ યોજાઇ ગયા

લંડન,તા. ૮:વિશ્વમાં કોરોનાના કહેરને લીધે દરેક શુભ પ્રસંગો અટકી પડ્યા છે ખાસ કરીને લગ્ન. જોકે લંડનમાં એક એવા લગ્ન થયા જેમાં સેંકડો લોકો જમા પણ થયા અને સોશ્યલ ડીસ્ટન્સિંગનું પાલન પણ થયું હતું, જેથી કોઈ કાયદાકીય કાર્યવાહી પણ થઈ નહોતી.

બે ઓકટોબરે ચેન્સફોર્ડ, એસેકસના બ્રેકસટેડ પાર્કમાં વિનાલ પટેલ અને રોમા પોપટના લગ્ન થયા હતા. વેડિંગ પ્લાનર સહેલી મીરપુરીએ મહામારીની ગંભીરતાને ધ્યાનમાં રાખતા એવી રીતે આયોજન કર્યું કે સોશ્યલ ડીસ્ટન્સિંગનું પાલન પણ થાય. લગ્ન સમયે વરસાદ પણ પડ્યો પરંતુ પ્રસંગમાં કોઈ ખલેલ પહોંચ્યો નહીં.

ડીજેનું પણ આયોજન કરવામાં આવ્યુ હતું. લગ્નમાં ફકત ૧૫ લોકોને જ બોલાવી શકાય છે એવામાં લગ્નમાં આવેલા અન્ય મહેમાનો કારમાં જ બેઠા રહ્યા અને મર્યાદિત લોકો જ કારની બહાર હતા. આ કાર જયાં પાર્ક હતી ત્યાં એક સ્ક્રિન હતું જેમાં લગ્ન સ્થળની લાઈવ ફુટેજ દેખાતી હતી.

વેડિંગ પ્લાનર મીરપુરીએ કહ્યું કે શરૂઆતમાં આ પ્લાનને લોકો મજાકમાં લઈ રહ્યા હતા પરંતુ પરિસ્થિતિની ગંભીરતાને સમજવું પણ જરૂરી હતું. અમે કારમાં બેઠેલા મહેમાનોને નાસ્તો, હેન્ડ જેલ અને પ્લાસ્ટીકની થેલીઓ આપી હતી.

(11:54 am IST)