Gujarati News

Gujarati News

News of Friday, 11th September 2020

લાખોમાં એક એવી ધોળી ભેંસ જન્મી છે અમેરિકામાં

ન્યુયોર્ક,તા.૧૧: અમેરિકાના મોન્ટાનાના મિસુલીના બિટર રૂટ વેલીમાં એક ધોળી ભેંસ જન્મી છે. કૃષિ વિજ્ઞાનીઓ અને જીવશાસ્ત્રીઓના મતાનુસાર સફેદ રંગની ભેંસ કે સફેદ રંગનો પાડો ૧૦ લાખમાં એક જન્મે છે. ચામડીમાં રંગકણોની સ્થિતિમાં ફેરફારો કે અલગ જેનેટિક કન્ડિશનને કારણે આવું બનતું હોવાનું પશુચિકિત્સક તબીબો કહે છે. એ ધોળી ભેંસોને ધોળી રુવાંટી પણ હોય છે. અમેરિકાના નેશનલ બફેલો અસોસિએશને એક કરોડ ભેંસોના જન્મોમાં એકાદ ધોળી ભેંસ પેદા થતી હોવાનો મત વ્યકત કર્યો છે. મોન્ટાનાની હિસ્ટરી સોસાયટીએ તો દર પચાસ લાખ ભંસોના જન્મમાં એકાદ ધોળી ભેંસ જન્મતી હોવાનો અભિપ્રાય વ્યકત કર્યો છે. જોકે એમાંથી મોટા ભાગની ભેંસ કે પાડા મોટાં થતાં-થતાં સફેદ રંગ ગુમાવતાં જાય છે. એ ક્ષેત્રમાં છેલ્લાં ૨૦ વર્ષમાં દુધાળાં ઢોરનો ઉછેર કરનારાઓએ ધોળી ભેંસોના જન્મની ઘટનાઓનું પ્રમાણ વિશેષ રહ્યું હોવાનું પણ એક નિરીક્ષણ છે.

સ્થાનિક લોકો આ ઘટના સાથે સાંસ્કૃતિક મહત્વને પણ જોડે છે. લોકો માને છે કે સફેદ ભેંસ દેશ સામેની સમસ્યા અને આંતરિક વિખવાદોનું પ્રતીક છે. કેટલાક લોકો માને છે કે આદિવાસીઓના વિષયોમાં મહિલાઓએ નેતૃત્વ લેવું જોઈએ, એવો સંકેત સફેદ ભેંસના જન્મ દ્વારા મળે છે. જૂન મહિનામાં જન્મેલી સફેદ ભેંસના આગમનની ખુશીમાં મોન્ટાનાની સાત આદિવાસી જાતિઓના પ્રતિનિધિઓએ લોલો ગામમાં સફેદ ભેંસના સ્વાગતનો સમારંભ યોજયો હતો. વિશ્વાસ-ફેઇથ નામ ધરાવતી આ સફેદ ભેંસની તસવીરો સોશ્યલ મીડિયામાં અને ઓનલાઇન ઇન્ટરનેટ માધ્યમોમાં લોકપ્રિય થઈ છે.

(11:39 am IST)