Gujarati News

Gujarati News

News of Tuesday, 19th January 2021

ચીને બનાવી મેગ્‍લેવ મેગાસ્‍પીડ ટ્રેન : એક કલાકમાં ૬૨૦ કિલોમીટરનું અંતર કાપી શકે

બીજિંગ / નવી દિલ્‍હી તા.૧૯:  ચીને બુલેટ ટ્રેનને પણ હંફાવે એવી મેગાસ્‍પીડ મેગ્‍લેવ ટ્રેન બનાવી હોવાની માહિતી મળી હતી. આ ટ્રેન એક કલાકમાં ૬૨૦ (છસો વીસ ) કિલોમીટરનું અંતર કાપી શકે છે અથવા એમ કહો કે કલાકે ૬૨૦ કિલોમીટરની ઝડપે દોડી શકે છે.

એની આ સુપર ડુપર સ્‍પીડને ધ્‍યાનમાં રાખીને એને ફ્‌લોટિંગ ટ્રેન પણ કહે છે. મિડિયા રિપોર્ટ મુજબ આ ટ્રેન વિમાની યાત્રાનો સારો વિકલ્‍પ બની શકે છે. અત્‍યારે ચીનમાં વિમાનની ઝડપ કલાકની ૯૦૦ કિલોમીટરની છે. આ ટ્રેનને દોડતી જોઇને એવું લાગે જાણે ચુંબકીય ક્ષેત્ર પર સરકી રહી છે. એટલે એને ફ્‌લોટિંગ ટ્રેન કહી છે. મિડિયાની હાજરીમાં આ ટ્રેનને ચેંગડુમાં લોંચ કરવામાં આવી હતી.

યુનિવર્સિટીના સંશોધકોએ ૧૬૫ મીટર લાંબો ટ્રેક બનાવ્‍યો હતો. એના પર ટ્રેનના દેખાવ અને કાર્યક્ષમતા રજૂ કરાયાં હતાં.

આ ટ્રેનની લંબાઇ ૨૧ મીટર છે. એના પર કામ કરી રહેલા વિજ્ઞાનીઓ કહે છે કે આ ટ્રેન ત્રણથી દસ વર્ષમાં દોડતી થઇ જશે.

ચીનમાં અત્‍યંત સ્‍પીડમાં દોડતી મેગ્‍લેવ ટ્રેન બનાવવાની શરૂઆત ૨૦૦૩માં થઇ હતી. એ સમયે બનેલી ટ્રેનની ઝડપ કલાકે ૪૩૧ કિલોમીટરની છે. કલાકે ૬૦૦ કિલોમીટરની ઝડપે દોડતી ટ્રેન સિસ્‍ટમને ૨૦૧૬માં બનાવવાની શરૂઆત થઇ હતી.

(3:50 pm IST)