Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

અફઘાનિસ્તાનમાં તાલિબાનની સરકાર આવ્યા બાદ મહિલાઓને સતત નવા નવા ફરમાન સહન કરવાની નોબત આવી

નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં તાલિબાનની સરકાર આવ્યા બાદ મહિલાઓ માટે સતત નવા નવા ફરમાનો બહાર પાડવામાં આવી રહ્યા છે. હવે કાબુલમાં એવો આદેશ આપવામાં આવ્યો છે કે, મહિલાઓએ ઘરે જ રહેવું જોઈએ. જો કોઈ એવું કામ છે જે પુરૂષો કરી શકે છે તો પછી મહિલાઓની જરૂર નથી. કાબુલના મેયરે જણાવ્યું કે, જે કામ પુરૂષો નથી કરી શકતા, મહિલાઓને ફક્ત તે કામની જ મંજૂરી આપવામાં આવશે. નહીં તો મહિલાઓએ ઘરે જ રહેવું પડશે. કાબુલના મેયરના કહેવા પ્રમાણે જે પદો પર મહિલાઓ હતી અને તેમની જગ્યાએ જો પુરૂષો કામ કરી શકે છે ત્યાં સુધી મહિલાઓએ ઘરે જ રહેવું પડશે. જ્યાં સુધી સ્થિતિ સામાન્ય નથી બનતી ત્યાં સુધી આમ જ ચાલશે. આ બધા વચ્ચે મહિલાઓને તેમનો પગાર આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, તાલિબાનની સરકાર બન્યા બાદ અફઘાનિસ્તાનમાં અનેક એવા નિર્ણયો લેવાયા છે જે મહિલાઓની વિરૂદ્ધ ગયા છે. પછી તે મહિલાઓના કામ કરવા પરના પ્રતિબંધના હોય કે પછી અભ્યાસને લઈ પેદા કરવામાં આવેલી મુશ્કેલીઓ હોય. તાલિબાન સરકારે તાજેતરમાં જ ફરમાન આપ્યું હતું કે, છોકરીઓ અને છોકરાઓ એકસાથે નહીં ભણી શકે. ત્યાર બાદ અનેક યુનિવર્સિટીઓમાંથી છોકરા અને છોકરીઓ વચ્ચે પડદાની તસવીરો પણ સામે આવી હતી.

(5:56 pm IST)