Gujarati News

Gujarati News

News of Friday, 25th June 2021

બ્રિટનમાં આગામી વર્ષથી રાત્ર 9 વાગ્યા સુધી જંક ફૂડની ટીવી એડ પર પ્રતિબંધ મુકવામાં આવશે

નવી દિલ્હી: બ્રિટનમાં આગામી વર્ષથી નવા નિયંત્રણો અમલમાં આવશે. જેમાં બાળકો બિનઆરોગ્યપ્રદ ખાદ્ય ચીજો તરફ લલચાય નહીં એ માટે રાત્રે ૯ વાગ્યા સુધી જંક ફૂડની ટીવી એડ્ પર પ્રતિબંધ મૂકવામાં આવશે. ઇંગ્લેન્ડની સરકારે ગુરુવારે જણાવ્યું હતું કે, લોકો સાથે વ્યાપક ચર્ચા પછી ૨૦૨૨ના અંતે આ નિયમો અમલી બનશે.

એડવર્ટાઇઝમેન્ટ માટે એક સીમાચિહ્નરૂપ નિર્ણયમાં સરકારે ચરબી, મીઠું (સોલ્ટ), ખાંડનું પ્રમાણ વધારે હોય એવી ખાદ્ય ચીજોની એડ્ રાતના ૯થી સવારના ૫.૩૦ વાગ્યા સુધી જ કરી શકાશે. નવા નિયમ ટીવી તેમજ બ્રિટનના ઓન-ડિમાન્ડ કાર્યક્રમોને લાગુ પડશે. ઉલ્લેખનીય છે કે, બાળકોમાં વધી રહેલી સ્થૂળતા સામેની ઝુંબેશના ભાગરૂપે આ નિર્ણય લેવાયો છે. બ્રિટનના જાહેર આરોગ્ય મંત્રી જો ચર્ચિલે જણાવ્યું હતું કે, 'અમે બાળકોનું આરોગ્ય સુધારવા અને સ્થૂળતાની સમસ્યાને કાબૂમાં લેવા કટિબદ્ધ છીએ.' તેમણે કહ્યું હતું કે, 'યુવાવર્ગ જે કન્ટેન્ટ જુએ છે તેની અસર તેમની પસંદગી અને આદતો પર પડે છે. અત્યારે બાળકો વધુ સમય ઓનલાઇન માધ્યમો પર પસાર કરી રહ્યા છે ત્યારે સરકાર માટે તેમને બિનઆરોગ્યપ્રદ એડ્થી બચાવવા પગલાં લેવા જરૂરી છે. દેશને વધુ ફિટ અને તંદુરસ્ત બનાવવાની અમારી યોજનાનો આ વધુ એક મહત્વનો હિસ્સો છે.'

 

 

(6:25 pm IST)