Gujarati News

Gujarati News

News of Wednesday, 25th November 2020

રશિયામાં બનેલ કોરોનાની વેક્સીન મળશે આટલી કિંમતે

નવી દિલ્હી: કોરોના વાયરસનો ચેપ સતત વધતો જાય છે. આ મહામારીની કોઈ સારવાર ન હોવાને લીધે આશા હવે રસી પર છે. કઇ રસીની કિંમત કેટલી હશે, રસી ક્યારે બજારમાં આવશે, આ બધા પ્રશ્નો લોકોના મગજમાં ફરી રહ્યા છે. આવી સ્થિતિમાં રશિયાની સ્પુટનિક -5 રસી વિશે વિગતો બહાર આવી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સ્પુટનિક -5 ની કિંમત 10 ડોલરથી પણ ઓછી હશે. તે રશિયાના નાગરિકો માટે મફત રહેશે. એક વ્યક્તિને રસીના બે ડોઝની જરૂર પડશે.રશિયન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ફંડ (આરડીઆઇએફ) એ મંગળવારે એક નિવેદન બહાર પાડ્યું હતું અને આ વિશે માહિતી આપી. જણાવ્યું કે આ રસી ગેમાલીયા નેશનલ રિસર્ચ સેન્ટર ફોર એપીડેમિઓલોજી અને માઇક્રોબાયોલોજી અને રશિયન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ફંડ (આરડીઆઈએફ) દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવી છે.

        સ્પુટનિક -5 રસીની પ્રથમ આંતરરાષ્ટ્રીય ડિલિવરી જાન્યુઆરી 2021માં ગ્રાહકોને ઉપલબ્ધ થશે. બીજી બાજુ ક્લિનિકલ ટ્રાયલના બીજા વચગાળાના વિશ્લેષણ મુજબ, સ્પુટનિકનો પહેલો ડોઝ આપ્યાના 28 દિવસ પછી 91.4 ટકા અસરકારક રહી છે. આરડીઆઇએફના સીઇઓ કિરીલ દિમિત્રીવએ જણાવ્યું હતું કે બેલારુસ, બ્રાઝિલ, યુએઈ અને ભારતમાં ક્લિનિકલ ટ્રાયલ્સ ચાલી રહ્યા છે. પરિણામો વિવિધ દેશો માટે ઉપલબ્ધ રહેશે. તેમણે કહ્યું કે અમે જાન્યુઆરી સુધીમાં માહિતી પ્રદાન કરવા માટે વાતચીત કરી રહ્યા છીએ.

(5:39 pm IST)