Gujarati News

Gujarati News

News of Friday, 27th January 2023

અમેરિકામાં બેદરકારીથી ડ્રાઈવીંગ કરતા યુવકની આવી હાલત કરવામાં આવી

નવી દિલ્હી: અમેરિકાના ટેનેસી રાજ્યનાં મેમ્ફિસ શહેરમાં પાંચ પોલીસકર્મીઓ પર એક 29 વર્ષનાં અશ્વેત યુવકની હત્યા કરવાના આરોપ લાગ્યા છે. યુવકનું નામ ટાયર નિકોલસ છે. રિપોર્ટ્સ મુજબ પોલીસે તે યુવકને માત્ર રેશ ડ્રાઈવિંગ (બેદરકારીભર્યું ડ્રાઈવિંગ) કરવા બાબતે સેકન્ડ ડિગ્રી ટોર્ચર કર્યો હતો. પોલીસે યુવકને લાતો મારી, ટેઝર ગનથી કરંટ આપ્યો અને નિર્દયતાથી માર માર્યો હતો. ઘટનાના ત્રણ દિવસ બાદ ટાયર નિકોલસ હોસ્પિટલમાં મોતને ભેટ્યો હતો. તેના મોત બાદથી મેમ્ફિસ શહેરમાં લોકો પ્રદર્શન કરી રહ્યા છે. આજે સાંજ સુધીમાં મેમ્ફિસ પોલીસ વિભાગ એક વીડિયો જાહેર કરશે. તેમાં બતાવવામાં આવશે કે નિકોલસને કેવી રીતે ટોર્ચર કરવામાં આવ્યો હતો. આજે સાંજે એક વીડિયો ફૂટેજ જાહેર કરાશે. તેના પહેલા સમગ્ર મેમ્ફિસ શહેરમાં કર્ફ્યૂ જેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે. આક્રોશમાં લોકો હિંસા ન કરે તે માટે પોલીસની ગાડીઓ અનેક સ્થળોએ પેટ્રોલિંગ કરી રહી છે. આ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને એક નિવેદન જાહેર કરીને લોકોને શાંતિ જાળવી રાખવા માટે અપીલ કરી છે. તેમણે કહ્યું- મેં નિકોલસનાં પરિવાર સાથે વાતચીત કરીને તેમને શાંતિપુર્ણ રીતે પ્રદર્શન કરવા જણાવ્યું છે. બાઈડેને વધુમાં જણાવ્યું હતુ કે હું સમજું છું કે ઘટના સહન કરી શકાય તેવી નથી, પરંતુ આ મામલે કોઈપણ પ્રકારની હિંસાને પણ સ્વીકારવામાં આવશે નહીં.

(4:58 pm IST)