Gujarati News

Gujarati News

News of Wednesday, 30th September 2020

બજારમાં મળતા ડિસ્પોઝેબલ બેબી નેપ્પીઝથી બાળકોને થઇ શકે છે ઘણું બધું નુકશાન: સંશોધન

નવી દિલ્હી: દિલ્હીની એક સંસ્થાએ કરેલા સંશોધન મુજબ 'ભારતીય બજારમાં મળતાં ડિસ્પોઝેબલ બેબી નેપ્પીઝમાં રહેલા ફેટેલેટ્સથી બાળકોને ડાયાબિટીસ, હાઇપરટેન્શન, મેદસ્વીતા અને પ્રજનન વિકાર જેવી અનેક બીમારી થઈ શકે છે. ડાયપરમાં રહેલા ફેટેલેટ્સ એટલે કે રસાયણો ચામડી વાટે શોષાઈને શરીરમાં ઉતરતા હોવાના વૈજ્ઞાનિક અભ્યાસ પણ થયા છે. આ ઉપરાંત આ હાનિકારક રસાયણ ઘરમાંથી નીકળતા કચરામાં ભળીને બહારના વાતાવરણમાં પહોંચે છે અને પર્યાવરણને પણ ગંભીર નુકસાન કરી શકે છે. સંશોધનમાં ભારતીય માતા-પિતાને આવા ડાયપરના ઉપયોગ સામે ચેતવવામાં આવ્યા છે. ફેટેલેટ્સ એ આંત્રસ્ત્રાવોમાં વિક્ષેપ પાડતા રસાયણો છે જે ટૂંકમાં EDC તરીકે ઓળખાય છે અને તેના સંપર્કમાં આવવાથી શરીરમાં આરોગ્યના ગંભીર પ્રશ્નો ઉભા થાય છે. આ રિસર્ચ માટે સ્થાનિક બજારો અને કેમિસ્ટની દુકાનોમાંથી 20 ડાયપર નમૂના એકત્રિત કરવામાં આવ્યા હતા. કેટલાક ડાયપરના નમૂના જાણીતા ઇ-કોમર્સ પ્લેટફોર્મ પરથી ઓનલાઈન ખરીદવામાં આવ્યા હતા. આ બધા નમૂનાની તપાસ પ્રયોગશાળામાં કરવામાં આવી હતી. આપણા દેશમાં 'બેબી ડાયપર' માટે કોઈ નિયમન નથી. વિશ્વના કેટલાક દેશોએ બેબી ડાયપરમાં ફટેલેટ્સના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે. પરીક્ષણ કરેલા નમૂનાઓના ઉત્પાદકોમાંથી કોઈએ પણ ડાયપર બનાવવા માટે ઉપયોગમાં લેવાતા ઘટકો અને રસાયણોની યાદી લેબલ પર મૂકી નથી. તેમણે ફેટેલેટ્સને કારણે સ્વાસ્થ્ય પર થતી અસરો તેમજ પર્યાવરણીય ચિંતાઓને ધ્યાનમાં રાખીને ડાયપરમાં ફેટેલેટ્સ ઉમેરવાનું ટાળવું જોઈએ.

(5:37 pm IST)