દેશ-વિદેશ
News of Monday, 1st March 2021

વૈજ્ઞાનિકોએ 10 વર્ષની મહેનત બાદ બરફથી છવાયેલ એન્ટાર્કટિકામાં વિશાળ તિરાડની શોધ કરી

નવી દિલ્હી: વૈજ્ઞાનિકોને 10 વર્ષની મહેનત બાદ બરફથી છવાયેલા રહેતા એન્ટાર્કટિકામાં પડેલી વિશાળ તિરાડનો પતો લાગ્યો છે. તિરાડના કારણે એન્ટાર્કટિકાની આઈસ શેલ્ફથી એક વિશાળકાય આઈસબર્ગ છુટો પડ્યો છે. જેનુ કદ મુંબઈ શહેર કરતા બે ગણુ છે. ઘટના નવેમ્બર 2020માં આઈસ શેલ્ફ પર પડેલી વિશાળ તિરાડ બાદ બની છે. શુક્રવારે સવારે આઈસબર્ગ એન્ટાર્કટિકાની આઈસ શેલ્ફ સાથે સંપૂર્ણપણે અલગ થઈ ગયો હતો.

તિરાડને નોર્થ રિફ્ટ નામ અપાયુ છે. બ્રિટિશ એન્ટાર્કટિક સર્વેના સંશોધકોને હિસ્સો છુટો પડી જશે તેવુ પહેલેથી લાગતુ હતુ. છુટા પડેલા આઈસબર્ગનુ કદ 1270 ચોરસ કિલોમીટરનુ છે. જ્યારે મુંબઈ શહેર 603 કિલોમીટરમાં ફેલાયેલુ છે. સંશોધકોનુ કહેવુ છે કે, અમે ઘટના બનશે તેવુ જાણતા હતા અને તેના માટે તૈયાર હતા. આવનારા સપ્તાહોમાં કે મહિનાઓમાં આઈસબર્ગ એન્ટાર્કટિકાથી દુર જઈ શકે છે અથવા તો તેની આસપાસ રહી શકે છે. અત્યારે સંપૂર્ણપણે છુટો પડી ગયેલો આઈસબર્ગ ખુલ્લા પાણીમાં તરી રહ્યો છે. હાલમાં એન્ટાર્કટિકાની આઈસ સેલ્ફથી આઈસ બર્ગ છુટો પડી ચુક્યો છે અને બંને વચ્ચે કેટલાક મીટરનો ગેપ સર્જાઈ ચુક્યો છે. જોકે ક્લાઈમેટ ચેન્જના કારણે ઘટના બની હોવાનો પૂરાવો હજી સુધી મળ્યો નથી.

(5:20 pm IST)