દેશ-વિદેશ
News of Friday, 20th November 2020

ખોટું ઈન્જેકશન મારી દેતા દીકરીનો જન્મ થયોઃ કપલને મળ્યા રૂ.૭૪ કરોડ

નર્સની ભૂલથી એક મહિલાને ભોગવવાનો વારો આવ્યો

ન્યુયોર્ક, તા.૨૦: મેડિકલ સેકટરમાં એક ખોટી દવા કે ઈન્જેકશન ભૂલથી પણ કોઈને અપાઈ જાય તો કોઈ વ્યકિતના જીવન પર મોટું જોખમ આવી પડે છે. કયારેક વ્યકિતનું મોત પણ થઈ શકે તો કયારેક વ્યકિતને કોઈને ભૂલ આખી જિંદગી ભોગવવી પડે છે. પાછળથી આવી ભૂલમાં કંઈ થઈ શકતું નથી. કયારેક અમુક કેસમાં કરે કોઈ અને ભરે કોઈ જેવો દ્યાટ જોવા મળે છે. કોઈએ કરેલી ભૂલ બીજા વ્યકિતને એટલી હદે નડે છે કે, અંતે તે સ્વીકાર કર્યા સિવાય કોઈ વિકલ્પ રહેતો નથી. આવી જ એક ઘટના બની છે અમેરિકાના સિએટલમાં. જયાં કોર્ટે એક પરિવારને રૂ.૭૪ કરોડથી પણ વધારે રકમ ચૂકવવા માટે આદેશ કર્યો છે. કારણ કે નર્સની ભૂલથી એક મહિલાને ભોગવવાનો વારો આવ્યો છે.

નર્સે ગર્ભવતી મહિલાને ખોટું ઈન્જેકશન આપી દીધું હતું. મહિલા એક કોમ્યુનિટી કિલનિકમાં બર્થ કંટ્રોલ ઈન્જેકશન લેવા માટે ગઈ હતી. પણ ફ્લુ જેબ લગાવી દેવાયું. ખોટું ઈન્જેકશન મારી દીધા બાદ કપલને ત્યાં એક દિવ્યાંગ દીકરીનો જન્મ થયો. મામલો કોર્ટ સુધી પહોંચતા જજે બાળકી માટે રૂ.૫૫ કરોડ જયારે કપલ માટે રૂ.૧૮ કરોડ આપવા માટે આદેશ કર્યો છે. જજે કહ્યું કે, બાળકીના ઈલાજ, અભ્યાસ અને બીજા ખર્ચાઓ માટે પૈસા આપવામાં આવી રહ્યા છે. રિપોર્ટ અનુસાર આ ભોગ બનનાર મહિલાનું નામ યેસેનિઆ પચેકો છે. આ મહિલા ગર્ભ ધારણ કરવા માગતી ન હતી.

પણ નર્સે એક ખોટું ઈન્જેકશન મારી દેતા તે ગર્ભવતી થઈ અને એક દિવ્યાંગ દીકરીને જન્મ આપ્યો. મહિલાએ એક સરકારી કિલનિકમાંથી આ ઈન્જેકશન લીધું હતું. એટલા માટે અમેરિકાની સરકારને જવાબદાર માનવામાં આવી. આ માટે કપલે સતત પાંચ વર્ષ સુધી કાયદાકીય લડત ચલાવી હતી.

યેસેનિઆ જયારે ૧૬ વર્ષની હતી ત્યારે રેફ્યુજી તરીકે અમેરિકામાં આવી ગઈ હતી. આ દંપતિને બે સંતાન છે. એટલે તે પરિવારમાં વધારો કરવા માગતી ન હતી. નર્સે મહિલાનો રિપોર્ટ કે ચાર્ટની તપાસ કર્યા વગર ઈન્જેકશન મારી દીધું. એટલે સંતાનમાં વધુ એક બાળકનો જન્મ થયો. કોર્ટ કચેરીને લઈને મામલો આપણા દેશમાં હોય કે, અમેરિકામાં. ધક્કા ખાધા વગર છૂટકારો ઝડપથી થતો નથી.

(3:30 pm IST)