દેશ-વિદેશ
News of Friday, 25th September 2020

લોહીના આંસુ વહી રહ્યા છે બ્રાઝિલની આ ટીનેજરની આંખમાંથી

લંડન,તા. ૨૫: બ્રાઝિલની ડોરિસ નામની ૧૫ વર્ષની કન્યાએ તેની આંખમાંથી લોહીનાં આંસુ વહેતાં હોવાની ફરિયાદ કરી છે, પરંતુ તેને તપાસનાર ડોકટરોને એનાં કારણ બાબતે કાંઈ સમજાતું નથી. ૧૨ સપ્ટેમ્બરે ડોરિસને પેટમાં દુખાવો થતાં તેની મમ્મી સાઓ પાઓલોની હોસ્પિટલમાં લઈ ગઈ હતી. ત્યાં ડોકટરોએ ડોરિસને કિડની સ્ટોનની વ્યાધિ હોવાનું નિદાન કર્યું હતું. તેને દવા આપીને થોડા વખતમાં ઘરે મોકલવામાં આવી હતી. રવિવારે ડોરિસને એક આંખમાંથી લોહીનાં આંસુ વહેતાં હોવાની વ્યાધિ થતાં હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. તેને તપાસ્યા પછી ડોકટરોને એ વ્યાધિનું કોઈ કારણ મળ્યું નહોતું. ડોરિસને લોહીનાં આંસુ સાથે પીડા ન થતી હોવાથી ડોકટરોને કાંઈ સમજાતું નહોતું. તેને ર૪ કલાકમાં ડિસ્ચાર્જ અપાયો હતો, પરંતુ ઘરે પહોંચ્યા પછી ડોરિસની બન્ને આંખોમાંથી લોહી વહેવા માંડ્યું હતું. ૧૩ સપ્ટેમ્બરથી શરૂ થયેલી એ વ્યાધિ ડોરિસ માટે રોજિંદી બની ગઈ છે. દિવસમાં એકાદ વખત ડોરિસની આંખોમાંથી લોહી વહે છે ડોરિસની મમ્મી જુલિયાના કહે છે કે અમે ઘણી ટેસ્ટ  કરાવી છતાં એ બીમારીનં કારણ જાણવા મળ્યું નથી. નિષ્ણાતો કહે છે કે તબીબી સાહિત્યમાં એ સ્થિતિ હેમોલેક્રિયા નામે ઓળખાય છે. એનાં કારણો સમજાય તો એ પ્રમાણે એ બીમારીની સારવાર કરી શકાય. મોટા ભાગે દરદીના શરીરની કોઈ ખામીને કારણે એ સમસ્યા થાય છે. આ સમસ્યા નિદાન કે સારવાર વગર અચાનક અદશ્ય થઈ જાય અને અચાનક ફરી શરૂ થાય એવું બને છે. આ બાબત આશ્ચર્યજનક છે, પરંતુ એનાં કારણો જાણવા મળે તો એન્ટિબાયોટિકસ તેમ જ હોર્મોનલ સારવાર વડે ઉપચાર શકય બને છે. જોકે આવી વ્યાધિથી દરદીના શરીરમાં અન્ય બીમારી પેદા થવાની શકયતા નહીંવત ઓવાનું નિષ્ણાંતો કહે છે.

(11:32 am IST)