Gujarati News

Gujarati News

News of Monday, 1st March 2021

મહિલા જજને હેપ્પી બર્થ ડે કહેવું વકીલને ભારે પડયું: ૨૦ દિવસથી જેલમાં છે બંધઃ

પરિવારના લોકો જામીન માટે કરી રહ્યા છે આંટાફેરા

ઇન્દોર, તા.૧: એક વકીલ દ્વારા જન્મ દિવસની શુભકામના આપવાની રીતથી જજ સાહિબા એટલા નારાજ થઈ ગયા કે, તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી દીધી. વકીલ સાહેબ ૨૦ દિવસથી જેલમાં બંધ છે. જામીન માટે તેમના પરિવારના સભ્યો જેએમએફસી કોર્ટને લઈને સેશન કોર્ટ સુધી ચક્કર લગાવી રહ્યા છે. પણ કોઈ રાહત મળતી દેખાતી નથી. આખરે આ મામલો મધ્ય પ્રદેશની ઈન્દૌર કોર્ટમાં પહોંચ્યો છે. વકીલ સાહેબનું કહેવુ છે કે, તેમણે ફકત જન્મદિવસની શુભકામના જ આપવા માટે જજ સાહિબાને ઈમેલ કર્યો હતો. તેમનો ઈરાદો ન્યાયાધીશના માન-સન્માનને ઠેસ પહોંચાડવાનો નહોતો. ત્યારે હવે આ વકીલ સાહેબની જામીન અરજી પર સુનાવણી થવાની છે. જામીન માટે હાઈકોર્ટમાં મામલો પહોંચ્યો છે.

આ મામલો રતલામ જિલ્લા કોર્ટમાં વકીલાત કરી રહેલા એક વકીલનો છે. રતલામમાં એક મહિલા ન્યાયાધીશનો જાન્યુઆરીમાં જન્મદિવસ હતો. વકીલે તેમને શુભકામના આપવા માટે રાતના ૧.૧૧ વાગ્યે ન્યાયાધીશના સરકારની મેલ પર હેપ્પી બર્થ ડેનો મેસેજ પોસ્ટ કર્યો હતો. તેમણે જજ સાહિબાનો ફેસબુક અકાઉન્ટમાંથી પ્રોફાઈલ ફોટો ડાઉનલોડ કરીને તેને ગ્રિટીંગ તરીકે પોસ્ટ કર્યો હતો.

આવી રીતે જન્મદિવસની શુભકામના આપવાનું જજ સાહિબાને પસંદ ન આવતા તેમણે રતલામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે વકીલ વિરુદ્ઘ છેતરપીંડી સહિત આઈટી એકટની બે કલમો હેઠળ ફરિયાદ નોંધી ૯ ફેબ્રુઆરીના રોજ તેમની ધરપકડ કરી હતી. ત્યારથી લઈને તેઓ જેલમાં બંધ છે. તેમણે જામીન માટે ન્યાયાધીશ સમક્ષ આજીજી પણ કરી, પણ ત્યાંથી રાહત ન મળતા તેઓ હાઈકોર્ટમાં પહોંચ્યા હતા.

(10:31 am IST)