Gujarati News

Gujarati News

News of Monday, 1st March 2021

મુંબઇમાં 80 વર્ષના વૃદ્ધના ઘરે વિજ ખાતાએ 80 કરોડનું બિલ મોકલતા બ્‍લડપ્રેશર વધી જતા તાબડતોબ હોસ્‍પિટલમાં ખસેડાયાઃ અજાણતા ભુલ થયાની સ્‍પષ્‍ટતા

મુંબઈ: 80 કરોડ! આંકડો સાંભળીને જ આંખો પહોળી થઈ જાય છે. કોઈ તમને કહે કે, તમારે 80 કરોડનું વીજળી બિલ આવ્યું તો તમાને કેવો ધ્રાસકો લાગે, એવો જ કંઈક ધ્રાસકો 80 વર્ષીય વૃદ્ધને લાગ્યો છે.

મુંબઈના વસઈ વિસ્તારમાં રહેતા એક 80 વર્ષના વૃદ્ધ ગણપત નાઈકને વીજળી ખાતાએ 80 કરોડ રૂપિયાનું બિલ મોકલ્યું. આ વૃદ્ધનો એવો તો શું બિઝનેસ હશે કે 80 કરોડનું વીજળી બિલ આવ્યું. એ પણ 1 કે 2 વર્ષનું નહીં, ફક્ત બે મહિનાનું. આ બિલ જોતાં જ વૃદ્ધને આઘાત લાગ્યો અને તેમનું બીપી હાઈ થઈ જતાં તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી હતી.

મુંબઈમાં ઈલેક્ટ્રીસિટી સપ્લાઈ કંપની MSEDCLની તરફથી 80 કરોડથી વધુનું બિલ મોકલવામાં આવ્યું. નાઇક પરિવાર વસઇમાં છેલ્લા 20 વર્ષથી એક રાઈસ મિલ ચલાવે છે. જો કે, કોરોનાની મહામારીમાં  લોકડાઉનના કારણે તેમનો ધંધો ઠપ થઈ ગયો છે. એવામાં કરોડોનું મસમોટું વીજળી બિલ બાદ પરિવારને ધ્રાસકો  લાગ્યો.

મહારાષ્ટ્ર સ્ટેટ ઇલેક્ટ્રિસિટી ડિસ્ટ્રીબ્યૂશન કંપની લિમિટેડે કહ્યું હતું કે બિલમાં અજાણતા ભૂલ થઈ હતી અને બિલ જલ્દીથી જ સુધારવામાં આવશે. આ ગડબડી વીજળી મીટરના રીડિંગ લેનારી કંપની તરફથી થઈ છે. આ બાબતે તપાસ કરવામાં આવી રહી છે. એજન્સીએ 6ના બદલે 9 આંકનું બિલ બનાવી નાંખ્યું હતું.

વીજળીના સતત વધતાં બિલને મુદ્દો બનાવીને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના છેલ્લા કેટલાક મહિનાથી આંદોલન કરી  રહ્યું છે. મુંબઈ, પુણે અને ઓરંગાબાદમાં મનસેના કાર્યકરોએ ગત દિવસો દરમિયાન તોડફોડ પણ કરી હતી.  એવામાં એક વખત ફરી આટલું મોટું બિલ તે સાબિત કરે છે કે બિલ બનાવવામાં ક્યાંક ને ક્યાંક ખામી આવી રહી  છે.

(4:56 pm IST)