Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

IPL 2020: કોલકત્તા નાઇટ રાઇડર્સે બાજી મારી: રાજસ્થાનને 37 રને હરાવ્યું

શુભમને 34 બોલમાં 5 ચોગ્ગા અને 1 સિક્સર સાથે 47 રન ફટકાર્યા : રાજસ્થાનનો ત્રીજી મેચમાં પ્રથમ પરાજય

દુબઈઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2020)ની 12મી મેચમાં કોલકત્તા નાઇટ રાઇડર્સે ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી અજેય રહેલી રાજસ્થાન રોયલ્સને 37 રને પરાજય આપ્યો છે. આ સાથે કોલકત્તાનો ત્રીજી મેચમાં બીજો વિજય છે, જ્યારે રાજસ્થાનનો ત્રીજી મેચમાં પ્રથમ પરાજય છે. પ્રથમ બેટિંગ કરતા કોલકત્તાએ 20 ઓવરમાં 6 વિકેટે 174 રન બનાવ્યા હતા. જેના જવાબમાં રાજસ્થાનની ટીમ  20 ઓવરમાં 9 વિકેટે 137 રન બનાવી શકી હતી. 

રાજસ્થાન માટે કેપ્ટન સ્ટીવ સ્મિથ ઈનિંગની શરૂઆત કરવા આવ્યો પરંતુ તેની આ રણનીતિ ફેલ રહી અને તે માત્ર 3 રન બનાવી પેટ કમિન્સનો શિકાર બન્યો હતો. પ્રથમ બે મેચમાં ધમાકેદાર બેટિંગ કરી મેન ઓફ ધ મેચ રહેલ સંજૂ સેમસન માત્ર 8 રન બનાવી શિવમ માવીનો શિકાર બન્યો હતો. જોસ બટલરને પણ શિવમ માવીએ આઉટ કરીને રાજસ્થાનને ત્રીજો ઝટકો આપ્યો હતો. બટલરે 21 રન બનાવ્યા હતા.

યારબાદ રોબિત ઉથપ્પા (2)ને કમલેશ નાગરકોટીએ પોતાનો શિકાર બન્યો હતો. રિયાન પરાગને પણ નાગરકોટીએ એક રન પર ગિલના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. રાજસ્થાનને તેવતિયાના રૂપમાં છઠ્ઠો ઝટકો લાગ્યો હતો. તેવતિયા 14 રન બનાવી વરૂણ ચક્રવર્તીનો શિકાર બન્યો હતો. શ્રેયસ ગોપાલ (5)ને નરેને અને જોફ્રા આર્ચર (6)ને ચક્રવર્તીએ આઉટ કર્યો હતો. જયદેવ ઉનડકટ 9 રન બનાવી કુલદીપનો શિકાર બન્યો હતો. 

રાજસ્થાન તરફથી એકમાત્ર ટોમ કરન સૌથી સફળ બેટ્સમેન રહ્યો હતો. કરને 35 બોલમાં 1 ચોગ્ગો અને 3 છગ્ગા સાથે પોતાની અડધી સદી પૂરી કરી હતી. કરન 36 બોલમાં 54 રન બનાવી અણનમ રહ્યો હતો.

કોલકત્તા તરફથી શિવમ માવી, કમલેશ નાગરકોટી અને વરૂણ ચક્રવર્તીએ બે-બે તથા કુલદીપ યાદવ, સુનીલ નરેન અને પેટ કમિન્સે એક-એક વિકેટ ઝડપી હતી. 

શુભમન ગિલ અને સુનીલ નરેનની જોડીએ કોલકત્તા માટે ઈનિંગની શરૂઆત કરી હતી. 4 ઓવરમાં 25 રન જોડ્યા બાદ પાંચમી ઓવરમાં સુનીલ નરેનને જયદેવ ઉનડકટે બોલ્ડ કર્યો હતો. નરેને 14 બોલમાં 2 ચોગ્ગા અને એક છગ્ગા સાથે 15 રન બનાવ્યા હતા. ત્યારબાગ કોલકત્તાનો સ્કોર 82 રન હતો ત્યારે રાહુલ તેવતિયાએ નીતીશ રાણા (22)ને આઉટ કર્યો હતો. 

ત્યારબાદ જોફ્રા આર્ચરે કોલકત્તાને મોટો ઝટકો આપ્યો. 47 રન પર બેટિંગ કરી રહેલ શુભમન ગિલને આઉટ કર્યો હતો. શુભમને 34 બોલમાં 5 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો હતો. તો કેપ્ટન દિનેશ કાર્તિક (1)ને પણ આર્ચરે બટલરના હાથે કેચઆઉટ કરાવ્યો હતો. ટીમનો સ્કોર 115 રન હતો ત્યારે અંકિત રાજપૂતે આંદ્રે રસેલ (24)ને આઉટ કર્યો હતો. રસેલે 14 બોલમાં 3 સિક્સ ફટકારી હતી. અંતમાં ઇયોન મોર્ગને (34*) રન બનાવી કોલકત્તાનો સ્કોર 170ને પાર કરાવ્યો હતો. મોર્ગને 23 બોલમાં 1 ચોગ્ગો અને બે છગ્ગા ફટકાર્યા હતા. 

રાજસ્થાન તરફથી જોફ્રા આર્ચરે બે, અંકિત રાજપૂત, જયદેવ ઉનડકટ, ટોમ કરન અને રાહુલ તેવતિયાને એક-એક સફળતા મળી હતી

(11:55 pm IST)