Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

કારસેવકોના વેશમાં ત્રાસવાદીઓએ બાબરીનું માળખુ તોડ્યું : ગુપ્તચર રિપોર્ટ છતાં સરકારે પગલા ન લીધા : જજે ફેંસલામાં જણાવ્યું

૧૦૦ જેટલા દેશ વિરોધી તત્વો અયોધ્યામાં ઘુસી ગયા હતા : જજનો ધડાકો

નવી દિલ્હી તા. ૧ : અયોધ્યાના વિવાદીત માળખાને તોડી પાડવાના મામલામાં સીબીઆઇની ખાસ અદાલતે તમામ ૩૨ આરોપીઓને છોડી મુકયા છે. સીબીઆઇના ખાસ ન્યાયધીશ સુરેન્દ્રકુમાર યાદવે પોતાના ફેંસલામાં આરોપીઓ દ્વારા વિવાદીત માળખુ તોડવા માટે કોઇ ષડયંત્ર રચવાની વાતનો ઇન્કાર કર્યો હતો અને સરકાર પર સવાલ ઉભો કરતા કહ્યું હતું કે, વિવાદીત માળખુ તોડી પાડવામાં પાકિસ્તાનની એજન્સીઓ સામેલ હોવાના ગુપ્તચર રિપોર્ટ છતાં સરકારે આ મામલે કોઇ કાર્યવાહી નહોતી કરી.

ન્યાયધીશે પોતાના ફેંસલામાં કહ્યું હતું કે, સીબીઆઇ દ્વારા આપરાધિક ષડયંત્ર રચવાનો આરોપ ૫ ડિસેમ્બર ૧૯૯૨ના રોજ સ્થાનિક ગુપ્તચર એજન્સીઓ દ્વારા દાખલ કરવામાં આવેલા રિપોર્ટને કારણે નબળો થઇ ગયો હતો. તેમાં જણાવાયું હતું કે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સીઓના સભ્યો વિવાદીત સ્થળમાં ઘુસી શકે છે અને માળખુ તોડી પાડી શકે છે.

કોર્ટે કહ્યું હતું કે, પાકિસ્તાનમાં બનેલ વિસ્ફોટક દિલ્હી થઇને અયોધ્યા પહોંચ્યા હતા અને બીજા રિપોર્ટ અનુસાર લગભગ ૧૦૦ જેટલા દેશ વિરોધી લોકો કે જેમાં જમ્મુ-કાશ્મીરના ઉધ્ધમપુરના લોકો પણ હતા જેઓ અયોધ્યા આવ્યા હતા.

(9:36 am IST)