Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

દેશમાં બે વર્ષમાં ૧.૬ ટકા ગુન્હા વધ્યા : ૨૦૧૯માં રોજ ૭૯ કેસ હત્યાના નોંધાયા

એનસીઆરબીનો રિપોર્ટ : ભારતમાં ૨૦૧૯માં ૫૨ લાખ ગંભીર કે સંગીન અપરાધ નોંધવામાં આવ્યા

નવી દિલ્હી તા. ૧ : દેશમાં અપરાધોની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. રાષ્ટ્રીય અપરાધ રેકોર્ડ બ્યુરોના આંકડા અનુસાર ભારતમાં ૨૦૧૮-૧૯માં ગંભીર અપરાધોમાં ૧.૬ ટકાનો વધારો નોંધાયો છે. આંકડા અનુસાર ભારતમાં ૨૦૧૯માં ૫૨ લાખ ગંભીર કે સંગીન અપરાધ નોંધાયા હતા. સરકારી આંકડા અનુસાર ભારતમાં ૨૦૧૯માં હત્યાના રોજ સરેરાશ ૭૯ કેસ નોંધવામાં આવ્યા હતા. જ્યારે આ વર્ષ દરમિયાન કુલ અપહરણના લગભગ ૬૬ ટકા કેસમાં બાળકો પિડીત હતા.

એનસીઆરબીના આંકડા અનુસાર ૨૦૧૯માં હત્યા કુલ ૨૮૯૧૮ કેસ નોંધાયા. જેમાં ૨૦૧૮ની સરખામણીમાં ૦.૩ ટકાનો ઘટાડો જોવા મળ્યો. આંકડા અનુસાર હત્યાના મામલામાંથી ૯૫૧૬ કેસમાં હત્યાનો ઉદ્દેશ વિવાદ હતો અને તે પછી ૩૮૩૩ કેસમાં હત્યાનું કારણ વ્યકિતગત ડખ્ખો કે દુશ્મની રહી હતી. ૨૫૭૩ કેસમાં ફાયદો હતો.

વર્ષ ૨૦૧૯માં અપહરણના કેસમાં ૦.૭ ટકાનો ઘટાડો નોંધાયો છે. આંકડા અનુસાર આ કેસની સંખ્યા ૧૦૫૦૩૭ રહી જ્યારે ૨૦૧૮માં તે ૧૦૫૭૩૪ હતી. અપહરણના કુલ મામલામાંથી ૨૦૧૯માં ૨૩૧૦૪ પુરૂષ અને ૮૪૯૨૧ મહિલાઓ પીડીત હતી. આંકડાઓ અનુસાર ૨૦૧૯માં માનવ તસ્કરીના ૨૨૬૦ કેસ નોંધાયા જ્યારે ૨૦૧૮માં તે ૨૨૭૮ હતા અને તેમાં ૦.૮ ટકાનો ઘટાડો નોંધાયો છે. તસ્કરીનો શિકાર બનેલા ૬૬૧૬ લોકોમાં ૨૯૧૪ બાળકો અને ૩૭૦૨ પુખ્ત સામેલ હતા.

આંકડા અનુસાર ૬૫૭૧ પીડિતોને તસ્કરોના પંજામાંથી બચાવાયા હતા. ૨૦૧૯માં આઇપીસી હેઠળ નોંધાયેલ લગભગ દર ત્રીજો મામલો માનવ શરીરને પ્રભાવીત કરનાર અપરાધ જેમ કે હત્યા, રેપ, મોતનું કારણ, અપહરણ વગેરે હતું. સંપત્તિ વિરૂધ્ધ અપરાધ જેમ કે ચોરી અને ગુન્હાહિત વિશ્વાસઘાતમાં લગભગ ૨૬ ટકા કે ૯ લાખ કેસ સામેલ હતા.

(10:28 am IST)