Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

બીજા માસની ૭ તારીખ સુધીમાં TCS નહીં ભરાય તો રોજ ૧૦૦નો દંડ થશે

મહિને એક ટકા વ્યાજ ઉપરાંત ફોજદારી કાર્યવાહી કરવાની પણ જોગવાઇ

મુંબઇ તા. ૧ :.. ઇન્કમટેકસમાં આવક વધારવા માટે ટીડીએસ અને ટીસીએસનો વ્યાપ વધારવામાં આવ્યો છે. આ માટે ૧ ઓકટોબરથી નવા નિયમો પણ લાગુ કરી દેવામાં આવ્યા છે. તેમાં ટીસીએસ ઉઘરાવ્યા બાદ બીજા મહિનાની સાત તારીખ સુધીમાં વેપારી દ્વારા ભરવામાં નહી આવે તો રોજના ૧૦૦ રૂપિયા લેખે દંડ વસૂલ કરવામાં આવશે. સાથે સાથે જે રકમ ભરવાની થાય છે તેના પર દર મહિને એક ટકા વ્યાજ વસુલાતની પણ જોગવાઇ કરવામાં આવી છે.

નાણાકીય વર્ષમાં જે વેપારીનું ટર્નઓવર ૧૦ કરોડથી વધારે હોય અને ત્યાર પછી કરવામાં આવતા વેચાણમાં ૦.૭પ ટકા ટીસીએસ વસુલ કરવાનું હોય છે. વસૂલ કરાયેલા ટીસીએસને બીજા મહિનાથી સાત તા. સુધીમાં ઇન્કમટેકસમાં જમા કરાવી દેવાનું રહેશે. જો વેપારી દ્વારા તે રકમ જમા કરાવવામાં એક દિવસ પણ મોડંુ કરવામાં આવ્યું તો રોજના ૧૦૦ રૂપિયા લેખે દંડ વસુલ કરવામાં આવનાર છે. સાથે સાથે જે રકમ ભરપાઇ કરવાની હોય તેના પર દર મહિને એક ટકા લેખે વ્યાજ પણ વસુલ કરાશે. આ ઉપરાંત વેપારી દ્વારા ટીસીએસ ભરવામાં સદંતર લાલિયાવાડી દાખવવામાં આવી હશે તો તેની સામે ફોજદારી કાર્યવાહી પણ કરવામાં આવે તેવી શકયતા રહેલી છે.

વેપારીએ ટીસીએસ ભરપાઇ કર્યા બાદ ડીલરને દર ત્રણ મહિને તેનું સર્ટીફીકેટ પણ આપવાનું હોય છે. ટીસીએસ વસૂલ કરવાના નવા નિયમને કારણે જવેલર્સ, વાહન ડીલર, બિલ્ડરથી માંડની તમામ મોટા વેપારીઓને ટીસીએસના દાયરામાં લાવી દેવામાં આવ્યા છે. આ અંગે સીએ વિરેશ રૂદલાલે જણાવ્યું હતું કે ટીસીએસ પેમેન્ટ પ્રમાણે વસૂલ કરવાના બદલે જ તેની વસુલાત કરીને ભરપાઇ કરી દેવો જોઇએ. કારણ કે બીલની સાથે જ તેની ગણતરી કરી લેવામાં આવશે તો વેપારીઓએ પરેશાન ઓછું થવું પડશે.

(10:57 am IST)