Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

વગર પગારે રોજ પ કલાકથી વધારે ઘરકામ કરે છે મહિલાઓ

મહેનતના આધાર પર જો આવક ગણવામાં આવે તો દેશનો જીડીપી વધી જાય : નેશનલ સ્ટેટીકસ બ્યુરોના ટાઇમ સ્પેન્ડ રિપોર્ટમાં ખુલાસો

બેંગ્લોર તા. ૧ :.. મહિલાઓ અવારનવાર કહેતી હોય છે કે તેમના ઘરકામની કોઇ કિંમત નથી આંકવામાં આવતી વાત સાચી પણ છે. તેઓ દિવસમાં પાંચ થી આઠ કલાક ઘરકામમાં વ્યતિત કરે છે અને તે પણ વગર પગારે. જમવાનું બનાવવું, સાફ સફાઇ, કપડા ધોવા, બાળકો અને વડીલોની દેખભાળ ઉપરાંત સામાજીક કામોમાં પણ પુરૂષોની સાથે બરાબર સામેલ. જો કે નાણા ઉપાર્જન સંબંધી કામો બાબતે મહિલાઓ અને પુરૂષોના સમયના ઉપયોગમાં અંતર છે.

દેશમાં પહેલીવાર સરકારી અભ્યાસ રીપોર્ટ દ્વારા એવા તથ્યો જાહેર થયા છે. નેશનલ સ્ટેટેટીકસ ઓફીસના ટાઇમ સ્પેન્ડ રિપોર્ટ અનુસાર કામકાજ, અભ્યાસ, પોતાની દેખભાળમાં પણ પુરૂષો મહિલાઓ કરતા વધારે સમયનો ઉપયોગ કરે છે. ઉમર વધવાની સાથે ઘરકામ બાબતે મહિલાઓ અને પુરૂષોના સમય ઉપયોગની સ્થિતિ બદલાઇ જાય છે. ૬૦ વર્ષથી વધુ વયની મહિલાઓ પરથી ઘરકામનો બોજ ઘટી જાય છે જયારે પુરૂષેનો બોજ વધી જાય છે. આ અભ્યાસ ગયા વર્ષે ૧.૩૮ લોકો પર કરાયો હતો.  જો ભાગીદારીની વાત કરીએ તો ૮૧ ટકા મહિલાઓની સામે ફકત ર૬ ટકા પુરૂષો જ ઘરેલુ કામકામમાં હિસ્સો લે છે. પુરૂષો ખરીદીનું કામ કરે છે. જયારે મહિલાઓ જમવાનું બનાવવાનું અને સાફ-સફાઇનું કામ કરે છે. અર્થ શાસ્ત્રી પ્રોફેસર નિરંજન કુમાર કહે છે કે જો ઘરમાં નોકરાણી રાખીએ તો તેને પણ પગાર આપીએ છીએ. આ હિસાબે જો મહિલાઓની આવકને અર્થ વ્યવસ્થામાં સામેલ કરવામાં આવે તો દેશનો જીડીપી વધી જાય.

(11:38 am IST)