Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

કોરોના કાળમાં કાળા કોલસાની ડિમાન્ડમાં નોંધાયો ૩.૬%નો વધારો

સ્ટીલ, રિફાઈનરી, સિમેન્ટ, પ્રાકૃતિક ગેસ, ક્રૂડ ઓઈલ અને ઈલેકટ્રીસીટી સહિતના કુલ ૮ સેકટરોમાં જોવા મળ્યો ૮.૫%નો ઘટાડો

રાજકોટ,તા. ૧: કોરોનાકાળમાં દેશની આર્થિક સ્થિતિને બહુ મોટી અસર થઇ છે. એવામાં સતત ૬ મહિનાથી ૮ મુખ્ય માળખાગત સેકટરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે ત્યારે ઓગસ્ટ મહિનામાં તેમાં ૮.૫ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો જેનું મુખ્ય કારણ સ્ટીલ, રિફાઈનરી પ્રોડકટ્સ અને સિમેન્ટના ઉત્પાદનમાં ઘટાડો છે. ઓગસ્ટ ૨૦૧૯માં ૮ મુખ્ય સેકટરના ઉત્પાદનમાં ૦.૨ ટકાનો ઘટાડો થયો હતો, એમ કોમર્સ અને ઈન્ડસ્ટ્રી મંત્રાલયે બુધવારે જારી કરેલા આંકડાઓમાં જણાવવામાં આવ્યું હતું.

કોલસા અને ફર્ટીલાઈઝરને છોડીને સમસ્ત સેકટરો ક્રૂડ ઓઈલ , પ્રાકૃતિક ગેસ, રિફાઈનરી ઉત્પાદન, સ્ટીલ, સિમેન્ટ અને ઈલેકટ્રીસીટી માં ઓગસ્ટમાં નકારાત્મક વિકાસ જોવા મળ્યો હતો. એપ્રિલ-ઓગસ્ટ ૨૦૨૦-૨૧ દરમિયાન આ સેકટરોનું ઉત્પાદન ૧૭.૮ ટકા ઘટી ગયું હતું જયારે ગયા વર્ષે આ જ સમયગાળામાં તેમના ઉત્પાદનમાં ૨.૫ ટકાનો ઘટાડો થયો હતો. આ ૮ સેકટરોમાં ઘટાડોનો દર જુલાઈ (માઈનસ ૮ ટકા) કરતા વધુ થયો હતો. સ્ટીલ, રિફાઈનરી ઉત્પાદન, સિમેન્ટ, પ્રાકૃતિક ગેસ ક્રૂડ ઓઈલ અને ઈલેકટ્રીસીટીમાં ક્રમશઃ ૬.૩ ટકા, ૧૯.૧ ટકા, ૧૪.૬ ટકા, ૯.૫ ટકા, ૬.૩ ટકા અને ૨.૭ ટકા ઘટાડો થયો હતો.

બીજી બાજુ કોલસા અને ફર્ટીલાઈઝર સેકટરમાં ક્રમશ : ૩.૬% અને ૭.૩%નો વધારો જોવા મળ્યો હતો. કોરોના મહામારીના કારણે દેશની આર્થિક સ્થિતિ કથળી ગઈ છે. દેશમાં કોરોના વાયરસ ને નિયંત્રણમાં લાવવા લોકડાઉન નો નિર્ણય લેવાયો હતો પરંતુ લોકડાઉનનાં લીધે કામકાજ બંધ થતા વ્યાપારજગતને ભારે નુકસાન વેઠવું પડ્યુ હતુ. કારખાનાઓ બંધ થતા મજૂરવર્ગો પ્રભાવિત થયા હતા અને કોરોનાકાળમાં તેમની વતન વાપસી થઈ હતી. કોરોનાકાળ વચ્ચે દેશની આર્થિક અને સામાજિક સ્થિતિને પાટા પર લાવવા માટે સરકાર દ્વારા ધીમે ધીમે તમામ ક્ષેત્રો ખુલ્લા મુકાઈ રહ્યા છે જેથી દેશની બગડેલ અર્થવ્યવસ્થા થોડા ઘણાં અંશે સ્થિર થઈ રહી છે. અગાઉ વિત્ત્। મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલ અહેવાલ મુજબ એક નિષ્કર્ષ તૈયાર કરવામાં આવેલ છે. રિપોર્ટમાં જણાવાયુ છે કે આ વખતે સારા વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને કોરોના વાયરસથી કથળી ગયેલ અર્થવ્યવસ્થાને ફરી સ્થિર કરવા માટે કૃષિ ક્ષેત્ર મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી શકે છે.

(12:46 pm IST)