Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

કંગના બાદ રવિકિશનને મળી Y+ કેટેગરીની સુરક્ષા

ટ્વિટ કરીને યોગી આદિત્યનાથનો આભાર વ્યકત કર્યો

નવી દિલ્હી તા. ૧ : ફિલ્મ અભિનેતા તથા ગોરખપુર લોકસભા બેઠકથી ભાજપના સાંસદ રવિ કિશનની સુરક્ષા વધારવામાં આવી છે. સરકારે તેમને વાય પ્લસ કેટેગરીની સુરક્ષા ઉપલબ્ધ કરાવી છે. આ જાણકારી રવિ કિશને પોતે સવારે ટ્વીટ કરીને આપી. તેમની સુરક્ષા એવા સમયે વધારવામાં આવી છે કે જયારે સંસદના ચોમાસુ સત્ર દરમિયાન તેમણે આપેલા નિવેદનો બાદ કથિત રીતે તેમને મારી નાખવાની ધમકીઓ મળી હતી.

સાંસદ રવિકિશને ટ્વીટ કરીને ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ પ્રત્યે કૃતજ્ઞતા વ્યકત કરી આભાર માન્યો છે. તેમણે લખ્યું કે 'પૂજનીય મહારાજજી, તમે જે Y+ શ્રેણીની સુરક્ષા મને ઉપલબ્ધ કરાવી છે તે બદલ હું, મારો પરિવાર અને લોકસભા ક્ષેત્રની જનતા તમારા ઋણી છીએ અને અમે બધા તમારો આભાર વ્યકત કરીએ છીએ. મારો અવાજ હંમેશા સદનમાં ગૂંજતો રહેશે.'

ગોરખપુરથી ભાજપના સાંસદ અને અભિનેતા રવિકિશને કહ્યું કે મે યુવાઓ અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ભવિષ્ય માટે અવાજ ઉઠાવ્યો હતો. સંસદમાં નિવેદન આપ્યા બાદ રાજયસભા સાંસદ જયા બચ્ચનના થાળીમાં છેદવાળા નિવેદન પર દેશભરમાંથી ખુબ પ્રતિક્રિયા આવી હતી.

(1:40 pm IST)