Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

આંતરરાષ્ટ્રીય વિમાન સેવા પર પ્રતિબંધ 31 ઓક્ટોબર સુધી વધારી દેવાયો

કાર્ગો ફ્લાઇટ્સને પ્રતિબંધમાં છૂટ: કેટલાંક દેશો સાથે 'એર બબલ' વ્યવસ્થા હેઠળ ફ્લાઇટ્સને મંજૂરી

નવી દિલ્હી : આંતરરાષ્ટ્રીય કોમર્શિયલ વિમાની સેવાઓ પરનો પ્રતિબંધ 31 ઓક્ટોબર સુધી વધારવામાં આવ્યો છે. નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશક (DGCA) એ  આ માહિતી આપી હતી. DGCAએ જણાવ્યું કે, કોરોના મહામારીને કારણે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પરનો પ્રતિબંધ 31 ઓક્ટોબર સુધી લંબાવવામાં આવ્યો છે. અગાઉ, 30 સપ્ટેમ્બર સુધી નિયમિત આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

DGCAએ સ્પષ્ટ કર્યું છે કે કાર્ગો ફ્લાઇટ્સને પ્રતિબંધમાં છૂટ આપવામાં આવશે. ઉપરાંત, કેટલાંક રૂટ્સ પર વિશેષ વ્યવસ્થા સાથે નિયમિત આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સને મંજૂરી આપવામાં આવી શકે છે. ઉલ્લેખનીય છે કે દ્વિપક્ષીય કરારો હેઠળ કેટલાંક દેશો સાથે 'એર બબલ' વ્યવસ્થા હેઠળ ફ્લાઇટ્સને મંજૂરી આપવામાં આવી છે. સાથે જ, 'વંદે ભારત મિશન' અંતર્ગત આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ પણ કાર્યરત કરવામાં આવી શકે છે.

દેશમાં આંતરરાષ્ટ્રીય ફ્લાઇટનું નિયમિત કામગીરી 22 માર્ચથી બંધ છે. લોકડાઉન દરમિયાન, 25 માર્ચથી તમામ ડોમેસ્ટિક ફ્લાઇટ્સ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. બે મહિના બાદ 25 મેના રોજથી નિયમિત ડોમેસ્ટિક ફ્લાઇટ્સનું સંચાલન શરૂ થઈ ગયું છે, પરંતુ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પર પ્રતિબંધ ચાલુ રાખવામાં આવ્યો છે.

(5:49 pm IST)