Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

કિંગ્સ ઇલેવન પંજાબના બેટ્સમેનો નિષ્ફ્ળ : મુંબઈ ઇન્ડિયનનો 48 રને શાનદાર વિજય

સારી શરૂઆત બાદ પંજાબનો ધબડકો:191 રનના જવાબમાં પંજાબની ટીમ 20 ઓવરમાં 8 વિકેટે 143 રન બનાવી શકી:નિકોલસ પૂરને 27 બોલમાં 3 ચોગ્ગા અને બે છગ્ગા સાથે 45 રન ફટકાર્યા

દુબઈઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2020)ની દુબઈના શેખ ઝાયદ સ્ટેડિયમ ખાતે રમાયેલી 13મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ (MI)એ કિંગ્સ ઇલેવન પંજાબ (KXIP)ને 48 રને પરાજય આપીને ટૂર્નામેન્ટમાં બીજો વિજય મેળવ્યો છે. તો પંજાબનો ચોથી મેચમાં આ ત્રીજો પરાજય થયો છે. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા મુંબઈ ઈન્ડિયન્સે 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 191 રન બનાવ્યા હતા. જેના જવાબમાં પંજાબની ટીમ 20 ઓવરમાં 8 વિકેટે 143 રન બનાવી શકી હતી. 

મુંબઈએ આપેલા 192 રનના લક્ષ્યની શરૂઆત કરવા ઉતરેલી કિંગ્સ ઇલેવન પંજાબને રાહુલ અને મયંક અગ્રવાલે સારી શરૂઆત અપાવી હતી. ટીમને પ્રથમ ઝટકો 38 રનના સ્કોર પર મયંક અગ્રવાલના રૂપમાં લાગ્યો હતો. અગ્રવાલ (25)ને બુમરાહે બોલ્ડ કર્યો હતો. ત્યારબાદ કરૂણ નાયર (0)ને ક્રુણાલ પંડ્યાએ આઉટ કર્યો હતો. ટીમનો સ્કોર 60 રન હતો ત્યારે કેએલ રાહુલ (17)ને રાહુલ ચાહરે બોલ્ડ કરીને મુંબઈને ત્રીજી સફળતા અપાવી હતી. 

કિંગ્સ ઇલેવન પંજાબને મેક્સવેલ ભારે પડી રહ્યો છે. પંજાબે તેને મોટી રકમ આપીને પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. પરંતુ તે હજુ સુધી મોટી ઈનિંગ રમવામાં નિષ્ફળ રહ્યો છે. આજે પણ તે બોલને હિટ કરવામાં સંઘર્ષ કરતો જોવા મળ્યો હતો. મેક્સવેલ માત્ર 11 રન બનાવી રાહુલ ચાહરનો શિકાર બન્યો હતો. પંજાબ તરફથી એકમાત્ર નિકોલસ પૂરને સારી બેટિંગ કરી હતી. પૂરને 27 બોલમાં 3 ચોગ્ગા અને બે છગ્ગા સાથે 45 રન બનાવ્યા હતા. જેમ્સ નિશમ (7)ને બુમરાહ અને સરફરાઝ ખાન (7)ને પેટિન્સને આઉટ કર્યો હતો. 

મુંબઈ તરફથી જસપ્રીત બુમરાહ, જેમ્સ પેટિન્સન, રાહુલ ચાહરે બે-બે તથા ટ્રેન્ટ બોલ્ટ અને ક્રુણાલ પંડ્યાએ એક-એક વિકેટ ઝડપી હતી.

(11:40 pm IST)