Gujarati News

Gujarati News

News of Tuesday, 1st December 2020

કોરોના વેકસીન 'કોવિશીલ્ડ' સંપૂર્ણ સુરક્ષિત અને ઇમ્યુનોજેનિક

સીરમ ઇન્સ્ટીટયૂટ ઓફ ઇન્ડિયાની સ્પષ્ટતા

નવી દિલ્હી તા. ૧ :કોરોના વાઈરસની વેકસીન બનાવનારી કંપની સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયા (SII)એ સ્પષ્ટતા કરી છે. જેમાં તેમણે પોતાની કોરોના વેકસીન 'કોવિશીલ્ડ'સંપૂર્ણ રીતે સુરક્ષિત અને ઈમ્યુનોજેનિક છે.

તાજેતરમાં કોરોના વેકસીન કોવિશીલ્ડના ટ્રાયલમાં સામેલ એક વ્યકિતએ સીરમ પર આરોપ લગાવ્યો હતો કે, તેમની વેકસીનના કારણે તેના સ્વાસ્થ્ય પર માઠી અસર થઈ છે. કોવિશીલ્ડ વેકસીનની  આડઅસરથી તેમને ન્યૂરોલોજિકલ સમસ્યાનો સામનો કરવો પડ્યો. જો કે રવિવારે સીરમ ઈન્સ્ટીટ્યૂટે વોલેન્ટિયરના તમામ આરોપો ફગાવી દીધા હતા.

હવે સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયાનું કહેવું છે કે, કોવિશીલ્ડ સંપૂર્ણ સુરક્ષિત અને ઈમ્યુનોજેનિક છે. વેકસીનના કારણે ચેન્નઈના વોલેન્ટિયરને કોઈ આડઅસર નથી થઈ. ટ્રાયલમાં તમામ માપદંડો અને ગાઈડલાઈન્સનું પાલન કરવામાં આવ્યું છે.

પ્રિન્સિપલ ઈન્વેસ્ટિગેટર, DSMB અને એથિકસ કમિટીએ કહ્યું કે, વેકસીના ટ્રાયલનું વોલેન્ટિયરના સ્વાસ્થ્ય સાથે કોઈ સબંધ નથી. કંપનીની પ્રતિષ્ઠાને બચાવવા માટે કાયદેસરની નોટિસ મોકલવામાં આવી. જેને ખોટી રીતે રજૂ કરવામાં આવી રહી છે.

હકીકતમાં કોરોના વાઈરસની વેકસીન બનાવનારી કંપની સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયા (SII)એ કોવિડ-૧૯ની સંભાવિત વેકસીનના ટ્રાયલમાં સામેલ એક વ્યકિતના આરોપોને રવિવારે ફગાવી દીધા હતા. કંપનીએ ખોટા આરોપ લગાવવા મામલે જંગી વળતર વસૂલવાની ધમકી આપી હતી.

ચેન્નઈમાં 'કોવિશીલ્ડ'ના ટ્રાયલમાં ભાગ લઈ રહેલા ૪૦ વર્ષના વ્યકિતએ આરોપ લગાવ્યો હતો કે, કોવિશીલ્ડ વેકસીનથી તેમના સ્વાસ્થ્ય પર ગંભીર અસર થઈ છે. આથી વ્યકિતએ SII પર પર ૫ કરોડ રુપિયાનું વળતર માંગ્યો હતો અને ટ્રાયલ પર રોક લગાવવાની માંગ કરી હતી. જો કે કંપનીનું કહેવુ છે કે, તે વ્યકિતએ પોતાના સ્વાસ્થ્ય સબંધી સમસ્યાઓ માટે ખોટી રીતે વેકસીનને જવાબદાર ઠેરવી છે.

પૂણે સ્થિત સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયાએ ઓકસફોર્ડ યુનિવર્સિટી અને એસ્ટ્રાજેનેકા ફાર્મા કંપની સાથે સંયુકત રીતે કોરોનાની વેકસીન કોવિશીલ્ડ બનાવી રહી છે. સીરમ ઈન્સ્ટીટ્યૂટ ભારતમાં આ વેકસીનનું ટ્રાયલ કરી રહી છે.

(3:30 pm IST)