Gujarati News

Gujarati News

News of Friday, 2nd October 2020

સામુહિક દુષ્કર્મ અને વારંવાર દુષ્કર્મની ઘટનાઓ એક વર્ષમાં ડબલ

નેશનલ એવરેજની સામે ગુજરાત મહિલાઓ વિરુદ્ઘ ગુના મામલે ચોથું સૌથી ઓછો ક્રાઈમ રેટ ધરાવતું રાજય છે

નવી દિલ્હી, તા.૨: દેશમાં મહિલાઓ વિરુદ્ઘ ગુનામાં ૨૦૧૮ની તુલનાએ ૨૦૧૯માં ખૂબ જ મોટો વધારો જોવા મળ્યો છે. ૨૦૧૯માં દુષ્કર્મ પીડિતાઓની સંખ્યમાં વધારો થયો છે જેમણે કહ્યું હોય કે તેમની સાથે એક જ વ્યકિત દ્વારા એકથી વધુવાર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરો દ્વારા 'ક્રાઇમ ઇન ઇન્ડિયા ૨૦૧૯' રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે જેમાં આ અંગે ખુલાસો થયો છે. ૨૦૧૮ના રિપોર્ટમાં આવા પ્રકારના કેસની સંખ્યા ૩૦ હતી જે ૨૦૧૯માં વધીને ૬૨ પહોંચી ગઈ છે. તો સામુહિત દુષ્કર્મના કેસની સંખ્યામાં પણ ૨૦૧૮ના ૭થી વધીને ૨૦૧૯માં ૧૪ થઈ ગઈ છે.

દુષ્કર્મની ઘટનાઓનું એનાલિસિસ જણાવે છેકે ૯૬.૪ ટકા પીડિતા તેની સાથે આ ધૃણાસ્પદ કૃત્યુ આચરનારને ઓળખતી હતી. આ ઘટનાઓમાં એક પીડિતા સાથે જયારે દુષ્કર્મ આચરવામાં આવ્યું ત્યારે તે ગર્ભવતી હતી જયારે ૪ પીડિતા શારીરિક કે માનસીક અસ્વસ્થ હોવાનું સામે આવ્યું છે.

ગુજરાતના બે મુખ્ય શહેરો સુરત અને અમદાવાદમાં મહિલાઓ વિરુદ્ઘ ગુનામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. સુરતમાં મહિલાઓ વિરુદ્ઘ ગુનામાં એક જ વર્ષમાં ૪૨ ટકાનો વધારો આવ્યો છે. ૨૦૧૮માં સુરતમાં ૭૧૨ કેસ નોંધાયા હતા જેની સામે ૨૦૧૯માં સુરતમાં ૧૦૧૫ કેસ નોંધાયા છે. જયારે અમદાવાદમાં પણ ૨૦૧૮ના ૧૪૧૬ કેસની સામે ૨૦૧૯માં ૧૫ ટકા વધારે કેસ સાથે ૧૬૩૩ કુલ ગુના નોંધાયા છે. જો તુલનાત્મક વાત કરવામાં આવે તો ગુજરાતમાં IPC, સ્પેશિયલ કાયદા અને લોકલ કાયદા હેઠળ નોંધાયેલા ગુનાઓમાં એક વર્ષમાં કુલ મળીને ૫.૬ ટકાનો વધારો થયો છે.

અમદાવાદમાં દુષ્કર્મની ઘટનામાં ૨૨ ટકાનો વધારો થયો છે. જેમાં ૨૦૧૮ના ૬૮ કેસની સામે ૨૦૧૯માં ૮૩ કેસ નોંધાયા છે. જયારે સુરતમાં આ મામલે ૮.૭ ટકાનો ઘટાડનો નોંધાયો છે. અહીં ૨૦૧૮ના ૪૬ કેસની સામે ૨૦૧૯માં ઘટીને ૪૨ કેસ નોંધાયા છે.

રાજયમાં બાળકો વિરુદ્ઘના ગુનામાં પણ વધારો નોંધાયો છે. રાજયમાં પ્રોટેકશન ઓફ ચાઈલ્ડ ફ્રોમ સેકસ્યુઅલ ઓફેન્સ(પોકસો) એકટ હેઠળ નોંધાયેલા ગુનામાં વાર્ષિક ૫ ટકાનો વધારો નોંધાયો છે. ૨૦૧૯માં કુલ ૨૨૨૭ કેસ પોકસો હેઠળ નોંધાયા છે જેમાં ૧૫૩૯ કેસ દુષ્કર્મ, ૩૩૭ કેસ સેકસ્યુઅલ એસોલ્ટ, ૨૫૮ કેસ શારીરિક છેડછાડ અને ૯ કેસ ચાઇલ્ડ પોર્નોગ્રાફીના છે.

જયારે રાજય પોલીસ વિભાગના ડેટા મુજબ જુલાઈ ૨૦૨૦ સુધીમાં આ વર્ષે ૩૦૭ જેટલા દુષ્કર્મ કેસ નોંધાયા છે. જેને જો માસિક ડેટામાં જોવામાં આવે તો મહિને અંદાજીત ૪૪ દુષ્કર્મના કેસ રાજયમાં નોંધાય છે. આ ડેટા ૨૦૧૯ના ડેટા બરોબર છે.

(10:06 am IST)