Gujarati News

Gujarati News

News of Friday, 2nd October 2020

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ - પત્ની મેલેનિયા કોરોના પોઝિટિવ

અમે કોરોનાને સાથે મળીને હરાવીશું : ટ્રમ્પનું ટ્વિટ

વોશિંગ્ટન તા. ૨ : અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના પત્ની મેલેનિયા કોરોના પોઝિટીવ આવ્યા છે. બંને કોરેન્ટાઇન થઇ ગયા છે.રાષ્ટ્રપતિની સલાહકાર હોપ હિકસ તેમની સાથે એર ફોર્સ વનથી કલીવલેન્ડમાં થયેલ પહેલી પ્રેસિડેન્શિયલ ડિબેટમાં સાથે હતી અને બાદમાં તે કોરોના પોઝિટીવ આવી હતી.

ટ્રમ્પે બાદમાં ટ્વિટર પર જણાવ્યું હતું કે, આજે હું અને ફર્સ્ટ લેડી કોવિડ-૧૯ પોઝિટીવ હોવાનું જાણવા મળ્યું છે. અમે કોરેન્ટાઇન અને સાજા થવાની પ્રક્રિયા શરૂ કરી રહ્યા છીએ. અમે તેને સાથે મળીને જીતીશું.

હોપ હિકસ કોરોના પોઝિટીવ આવતા અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કરી લખ્યું હતું કે હોપ હિકસ, જે એક પણ નાનકડા બ્રેક વગર એટલી મહેનતથી કામ કરે છે, તેઓ કોરોના પોઝિટિવ થઇ ગયા છે. ધ ફર્સ્ટ લેડી અને હું કોરોના ટેસ્ટના રિઝલ્ટની રાહ જોઈ રહ્યા હતા હવે તે રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

કોરોનાને લઇ ટીકાનો સામનો કરી રહેલા ટ્રમ્પે ફોકસ ન્યૂઝને એક મુલાકાતમાં જણાવ્યું હતું કે, તે પોઝિટીવ નીકળી. તે ખૂબ જ મહેનતુ છે. તે ખૂબ માસ્ક પહેરતી છતાં પોઝિટીવ નીકળી.વ્હાઇટ હાઉસે એક નિવેદનમાં કહ્યું છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ તેમના અને અમેરિકન લોકો માટે કામ કરતા બધા લોકોના સ્વાસ્થ્ય અને સુરક્ષાને ખૂબ જ ગંભીરતાથી લે છે.

(11:25 am IST)