Gujarati News

Gujarati News

News of Friday, 2nd October 2020

કોરોના ફેલાવવાનું મુખ્ય કારણ સુપર સ્પ્રેડર

દેશનો સૌથી મોટો કોન્ટેકટ ટ્રેસિંગ અભ્યાસઃ ૮% પોઝીટીવ લોકોને કારણે ૬૦ ટકા દર્દીઓમાં ફેલાયો કોરોના

ચેન્નાઈ,તા.૨ :  કોરોના વાયરસથી બચવા માટે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ કારગત સાબિત થઈ રહ્યા છે. જોકે, ઘણાં લોકો આ બન્નેનું પાલન નથી કરી રહ્યા જેના કારણે કોરોના વાયરસનો ખતરો વધી જાય છે. આવામાં કુલ કેસમાંથી ૮% સંક્રમીત દર્દીઓ એવા છે કે જેઓ સુપર સ્પ્રેડર સાબિત થઈ રહ્યા છે અને તેમના કારણે કોરોના વાયરસ ફેલાઈ રહ્યો છે, જયારે ૭૧% કોરોના સંક્રમિત એવા છે કે જેઓ પોતાના દ્વારા વાયરસને આગળ ફેલાવી નથી રહ્યા. આ આંધ્રપ્રદેશ અને તામિલનાડુમાં થયેલા અભ્યાસમાં સામે આવ્યું છે.

જયારે ભારતમાં સ્કૂલો અને કાઙ્ખલેજો ખોલવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે ત્યારે એક સ્ટડી (Epidemiology and transmission dynamics of Covid-19 in two Indian States) બુધવારે 'Science'માં પબ્લિશ થઈ છે. આ સ્ટડીમાં એ પણ બહાર આવ્યું છે કે, બાળકો અને ટિનએજ કોરોના વાયરસ ફેલાવવા માટે વધારે જવાબદાર બની શકે તેમ છે, ખાસ કરીને પરિવારના સભ્યોને ચેપ લાગી શકે છે.

આ બન્ને રાજયોના હેલ્થ એકસપર્ટ દ્વારા અમેરિકામાં વાયરસના ફેલાવા પર થયેલા અભ્યાસમાં ભાગ લીધો હતો. ૧ ઓગસ્ટે રાજયમાં ૪ લાખ કરતા વધારે કેસ હતા, અને હેલ્થ વર્કર્સ દ્વારા ૩૦ લાખ લોકોનું સ્ક્રીનિંગ અને ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.

આ રિસર્ચમાં મહત્વનો ભાગ ભજવનારા નવી દિલ્હીના ઈકોનોમિકસ અને પોલિસીના સેન્ટર ફોર ડિસિસ ડાયનામિકસના રામાનન લક્ષ્મીનારાયણ જણાવે છે કે, ચેન્નાઈ હોય કે ગ્રામ્ય વિસ્તાર હોય, ગામડાઓમાં પણ સુપર સ્પ્રેડિંગ એકિટવિટી જોવા મળી છે. અમને અગાઉ આ જોવા નથી મળ્યું, આવા ડેટા પહેલીવાર જોવા મળ્યા છે. તેઓ આગળ જણાવે છે કે, આ ન્યુયોર્ક, બેજિંગ અને સિઓલમાં થયું તેના જેવું જ છે.

સ્ટડીમાં જાણવા મળ્યું કે, કોરોના વાયરસનો ચેપ લાગ્યો હોય તેવા લોકોના સંપર્કમાં આવવાથી કોરોના વાયરસ ફેલાયા છે જેમાં હેલ્થકેર દ્વારા ૧.૨%, કમ્યુનિટી દ્વારા ૨.૬% અને ઘરના સભ્યો દ્વારા ૯% વાયરસ ફેલાય છે. અભ્યાસમાં સામે આવ્યું છે કે, લાંબા અંતરનો પ્રવાસ અને લોકોના કલોઝ કોન્ટેકટના કારણે વાયરસ ફેલાવાનો ખતરો વધી જાય છે.

તારણમાં સામે આવ્યું છે કે, એક સમાન ઉંમરના લોકો દ્વારા વાયરસ ફેલાવાનો ખતરો વધું છે. જેમાં ૧૪ વર્ષની અંદરના બાળકોને એકબીજાથી ચેપ લાગવાનો ખતરો વધુ છે. ૧૦૦ લોકોમાં ૫દ્મક ૧૭ વર્ષની ઉંમરના લોકો સંપર્કમાં આવ્યા હોય તેમાં ૧૫% પોઝિટિવ આવે છે. આ ઉંમરના લોકોથી વાયરસ ફેલાવાનો ખતરો વધુ છે. જેમાં ૧૮ થી ૨૯, ૨૦ થી ૩૯ અને ૪૦ થી ૪૯ વર્ષના લોકોના સંપર્કમાં આવનારા ૧૨.૩% લોકોને કોરોનાનો ચેપ લાગે છે. જયારે ૮૫ કરતા વધુ ઉંમરના લોકોના સંપર્કમાં આવનારા લોકોમાં ૧૦૦ના ટેસ્ટ કરવામાં આવે તો તેમનામાં કોરોનાનો ચેપ લાગવાની સંભાવના ઓછી જોવા મળી છે.

એક તરફ સ્કૂલો અને કોલેજો ખોલવાની માગણીઓ વધી રહી છે ત્યારે રિસર્ચમાં તેને લઈને કેટલાક ચોકાવનારા તથ્યો સામે આવ્યા છે. જે વિશે લક્ષ્મીનારાયણ જણાવે છે કે, જે સમૂહમાં બાળકો અને યુવાનો વધુ છે ત્યાં કોરોનાના કેસ અને મૃત્યુનો આંક ઊંચો રહે છે. તેમણે જણાવ્યું કે, ઈઝરાઈલ અને સિંગાપોરમાં એકવાર સ્કૂલો ખોલ્યા બાદ ફરી લોકડાઉન જાહેર કરવાની ફરજ પડી છે કારણ કે ત્યાં સ્કૂલો ખુલ્યા બાદ કેસની સંખ્યા વધી ગઈ હતી.

રિસર્ચમાં એ પણ જાણવા મળ્યું કે ભારતમાં સરેરાશ કોરોના વાયરસનો ચેપ લાગ્યા બાદ ૬ દિવસે દર્દીનું મોત થાય છે, જયારે અમેરિકામાં સરેરાશ આ સમયગાળો ૧૩ દિવસનો છે. ઘણાં સિનિયર ડોકટરોએ નોંધ્યું છે કે, ભારતમાં ટેસ્ટમાં મોડું થવાના કારણે મૃત્યુઆંક વધી રહ્યો છે. ભારતમાં ૫૦-૬૪ વર્ષના સમૂહના લોકોનું કોરોના વાયરસમાં વધારે મૃત્યુ થાય છે, જયારે અમેરિકામાં આ આંકડો ૬૦ વર્ષ કરતા વધુ ઉંમરના દર્દીઓમાં જોવા મળે છે.

તામિલનાડુ હેલ્થ સેક્રેટરી જે રાધેક્રિષ્નન જણાવે છે કે, આ પ્રકારના અભ્યાસમાં કેટલીક એવી બાબતો વિશે જાણવા મળે છે કે જેના દ્વારા વાયરસના ફેલાવા વિશે મહત્વની બાબતો જાણી શકાય છે. જેનાથી મદદ મળે છે કે કેટલીક સ્ટ્રેટેજી વાપરીને વાયરસને ફેલાતો અટકાવી શકાય છે.

(11:13 am IST)