Gujarati News

Gujarati News

News of Friday, 2nd October 2020

હાથરસકાંડ : ઇલાહાબાદ હાઇકોર્ટે યુપી સરકારને ફટકારી નોટીસ

ટોચના અધિકારીઓને સમન્સ પાઠવ્યું : જવાબ રજુ કરવાનો આદેશ

નવી દિલ્હી તા. ૨ : હાથરસની ઘટના પર હવે અલ્હાબાદ હાઈકોર્ટે કડક વલણ અપનાવ્યું છે. અલાહાબાદ હાઈકોર્ટની લખનઉ પીઠે ઉત્તરપ્રદેશ સરકારના અધિકારીઓને સમન્સ પાઠવ્યું છે.

અલ્હાબાદ કોર્ટે આ મામલે ચિંતા વ્યકત કરતા યુપી સરકાર, હાથરસના ડીએમ અને એસપીને પણ સમન્સ પાઠવ્યું છે. કોર્ટે પીડિતા સાથે હાથરસ પોલીસના બર્બર, ક્રૂર અને અમાનવીય વ્યવહાર પર રાજય સરકાર પાસે પણ જવાબ માગ્યો છે. પીઠ આ મામલે ૧૨ ઓકટોબરે સુનાવણી કરશે.

આ કેસમાં શરૂઆતથી જ તંત્ર પર સવાલ ઉઠતા રહ્યા છે. પણ હવે પીડિતાના પરિવારજનોએ પણ ડીએમ પર ગંભીર આરોપ લગાવ્યો છે. પરિવારે ડીએમ પર ધમકી આપવા અને દબાણ કરવાનો આરોપ લગાવ્યો છે.

ડીએમને એક વીડિયો વાયરલ થયો છે. જેમાં ડીએમ કહી રહ્યા છે કે મીડિયા કાલે ચાલી જશે પણ તંત્રએ અહીં જ રહેવાનું છે. પરિવારે આરોપ લગાવ્યો છે કે કેસ રફે દફે કરવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. હાઈકોર્ટે ઉત્ત્।રપ્રદેશ સરકારને નોટિસ ફટકારી છે. હાથરસની ઘટના પર અલાહાબાદ હાઈકોર્ટ સખત વલણ અપનાવ્યું છે ૧૨ ઓકટોબરે કોર્ટમાં સુનાવણી કરવામાં આવશે.

નોંધનીય છે કે પોલીસે પરિવારની ગેરહાજરીમાં અડધી રાતે પરિવારની મરજી વિરુદ્ઘ પીડિતાનો અંતિમ સંસ્કાર કરી દીધો હતો. જેને પગલે દેશમાં રોષ જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે યુપીના હાથરસમાં યુવતી પર ગેંગરેપના મામલામાં પીડિતાનું સફદરજંગ હોસ્પિટલમાં અવસાન થયું છે. યુવતીના સંબંધીઓએ આ વાતની પુષ્ટિ કરી છે. ૧૫ દિવસ પહેલા ૧૪ સપ્ટેમ્બરના રોજ હાથરસમાં યુવતી પર ગેંગ રેપ થયો હતો. ૪ આરોપીઓએ યુવતી સાથે ક્રૂરતા પૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. યુવતીને અત્યંત ગંભીર હાલતમાં હોસ્પિટલ દાખલ કરાઈ હતી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન યુવતીએ જીવ ગુમાવ્યો હતો. ઘટનાની જાણ કોઈને ન કરી શકે તે માટે નરાધમોએ તેની કરોડરજ્જુ તોડી નાંખ્યો હતો. તેની જીભ પણ કાપી નાંખી બર્બરતા આચરી હતી.

(11:20 am IST)