Gujarati News

Gujarati News

News of Friday, 2nd October 2020

૧ જુલાઇ ૨૦૨૧ થશે નવા નિયમો લાગુ

શાળાઓની આસપાસ નાસ્તાઓના પડીકા નહી વેચી શકાય

શાળાની આજુબાજુના ૫૦ મીટરમાં વેચાણ પર પ્રતિબંધ

નવી દિલ્હી તા. ૨ : ડબ્બાબંધ ખાદ્ય અથવા પીણા કંપનીઓ અને વેપારીઓનો એક મોટો સમુહ ભારતીય ખાદ્ય સુરક્ષા એવં માનક પ્રાધિકરણ (એફએસએસએઆઇ) દ્વારા જાહેર કરાયેલ નવા નિયમોથી ચિંતીત છે. તેમનો તર્ક છે કે શાળાઓની આસપાસ ખાણીપીણીના વેચાણ માટે હાલમાં જાહેર કરવામાં આવેલ નિયમોથી ઉત્પાદકો અને વેચાણર્થીઓને અસર પડશે. આ નિયમો ૧ જુલાઇ ૨૦૨૧થી લાગુ થવાના છે.

ખાદ્ય નિયામક ઓથોરીટીએ હાલમાં જ કેટલાક નવા નિયમો જાહેર કર્યા છે જેના અનુસાર વધારાના નમક, ખાંડ અને મસાલાયુકત ઉત્પાદનોને કોઇ શાળા અથવા શૈક્ષણિક સંસ્થાના ૫૦ મીટરના વર્તુળમાં નહીં વેચી શકાય. નિયમ હેઠળ વધારે સેચ્યુએટેડ ફેટ અથવા ટ્રોસ-ફેટ અથવા વધારે ખાંડ અથવા સોડીયમવાળી ખાદ્ય વસ્તુઓના વેચાણ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આના લીધે આઇસ્ક્રીમ, મીઠાઇઓ, સંરક્ષિત અથવા ડબ્બામાં પેક સબ્જી, માંસ, માછલી, દાળમાંથી બનેલ નમકીન, ખારીશીંગ, વ્હાઇટ બ્રેડ અને બિસ્કીટના વેચાણ પર પ્રતિબંધ આવી જશે.

આ નિયમ હેઠળ આવા ખાદ્ય અને પેય પદાર્થોની શાળાઓની આસપાસ કોઇ રૂપમાં જાહેરાત આપવા પર પણ પ્રતિબંધ મુકાયો છે, જેમાં ઉત્પાદનની જાહેરાત, મફત કુપન, શાળામાં સપ્લાય, શૈક્ષણિક સામગ્રી, બોર્ડ પર નિશાની, રમતના મેદાન અને વેન્ડીંગ મશીનો સામેલ છે.

આ બાબતે ઉત્પાદકો અને ડીલરોએ ચિંતા વ્યકત કરી છે. આના લીધે રોજિંદા ઉપયોગની ચીજો બનાવતી કંપનીઓ હિંદુસ્તાન યુનિલીવર, નેસ્લે, બ્રિટાનીયાથી માંડીને પેપ્સી અને કોકાકોલાને પણ અસર થશે. કંપનીઓએ આ બાબતે પોતાનો પક્ષ રજૂ કરવાનો હજુ બાકી છે પણ સૂત્રોએ જણાવ્યું કે, બધા મુખ્ય ઉત્પાદકો વૈકલ્પિક યોજનાને અંતિમરૂપ આપવા બાબતે ચર્ચા કરી રહ્યા છે. તેમાંથી મોટાભાગનાએ પહેલા જ વધારાનું નમક, ખાંડ અને મસાલામાં કાપ મુકવાનું શરૂ કરી દીધું છે અને ૨૦૨૫ સુધીમાં તેને ૧૦ થી ૨૫ ટકા સુધી ઘટાડવાની તૈયારી કરી છે.

(2:37 pm IST)