Gujarati News

Gujarati News

News of Friday, 2nd October 2020

ટ્રમ્પ દંપત્તિને કોરોના

શેરબજારો - ક્રુડમાં કડાકો : સોનામાં તેજી

અમેરિકી - એશિયન શેરબજારોમાં કોહરામ : ક્રુડના ભાવમાં પણ કડાકો : ગ્લોબલ માર્કેટમાં સોનાનો ભાવ ૦.૪ ટકા વધીને ૧૯૧૩.૯૦ ડોલર પ્રતિ ઔંશ થઇ ગયો : ટ્રમ્પ અને ફર્સ્ટ લેડી હોમ કવોરન્ટાઇન : ટ્રમ્પ મહિલા સહયોગી હોય હિકસના સંપર્કમાં આવ્યા હતા : માસ્ક પહેરવાને સતત 'ઇગ્નોર' કરવાની મળી સજા : રાષ્ટ્રપતિની ચૂંટણીના પ્રચાર પર પડશે અસર

વોશિંગ્ટન, તા., ૨ : અમેરીકામાં રાષ્ટ્રપતિની ચુંટણીનો પ્રચાર જોરશોરથી ચાલી રહયો છે ત્યારે રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને ફર્સ્ટ લેડી મેેલાનીયા ટ્રમ્પને કોરોના પોઝીટીવ થયાનું જાહેર થતા વિશ્વના વિવિધ બજારોમાં કોહરામ મચી ગયો છે. શેરબજાર અને ક્રુડના ભાવોમાં કડાકો બોલી ગયો છે તો સોનાના ભાવમાં તેજી આવી છે. ટ્રમ્પ અને તેમના પત્ની હાલ કોરોન્ટાઇન થઇ ગયા છે અને તેમણે સાથે મળીને કોરોનાને હરાવવાનો સંકલ્પ કર્યો છે. કાયમ માસ્ક નહિ પહેરવાની અથવા તો માસ્કને ઇગ્નોર કરવાની સજા તેમને મળી છે. બંન્નેને કોરોના થતા રાષ્ટ્રપતિની ચુંટણીના પ્રચાર ઉપર પણ અસર પડી શકે છે.  ટ્રમ્પ અને તેમના પત્નીને કોરોના થયાનું જાહેર થતા જ અમેરીકાના શેરબજાર અને એશીયન બજારોમાં ઘટાડો આવ્યો હતો. એસ એન્ડ પી-પ૦૦ તથા ડાઉ ઇન્ડસ્ટ્રીયલ  વાયદા કોન્ટ્રાકટ બંન્નેમાં ૧.૯ ટકાનો ઘટાડો નોંધાયો હતો. ભારતમાં ગાંધી જયંતીને કારણે બજારો બંધ છે. ચીન અને હોંગકોંગના બજાર પણ બંધ છે. જાપાન, સીંગાપુર, થાઇલેન્ડ અને ઇન્ડોનેશીયાના બજારોમાં કડાકો બોલી ગયો હતો.

વિશ્વસ્તરે સોનાના ભાવમાં ઉછાળો નોંધાયો હતો. ગ્લોબલ માર્કેટમાં સોનાનો ભાવ ૦.૪ ટકા વધીને ૧૯૧૩.૯૦ ડોલર પ્રતિઔંશ પર પહોંચી ગયો જે ૦.૮ ટકાના પાછલા નુકશાનથી ઉપર આવી ગયો છે. ચાંદીનો ભાવ પણ ૦.૯ ટકા ઘટાડા સાથે ર૩.૯૯૯ર ડોલર પ્રતિઔંશ થઇ ગયો હતો.  એમસીએકસ પર સોનાનો વાયદો પ૦પ૪૪ થયો હતો.

દરમિયાન વડાપ્રધાન મોદીએ ટ્રમ્પને વ્હેલી તકે સજા થવાની શુભેચ્છા આપી છે.

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના પત્ની મેલેનિયા કોરોના પોઝિટીવ આવ્યા છે. બંને કોરેન્ટાઇન થઇ ગયા છે.રાષ્ટ્રપતિની સલાહકાર હોપ હિકસ તેમની સાથે એર ફોર્સ વનથી કલીવલેન્ડમાં થયેલ પહેલી પ્રેસિડેન્શિયલ ડિબેટમાં સાથે હતી અને બાદમાં તે કોરોના પોઝિટીવ આવી હતી.

ટ્રમ્પે બાદમાં ટ્વિટર પર જણાવ્યું હતું કે, આજે હું અને ફર્સ્ટ લેડી કોવિડ-૧૯ પોઝિટીવ હોવાનું જાણવા મળ્યું છે. અમે કોરેન્ટાઇન અને સાજા થવાની પ્રક્રિયા શરૂ કરી રહ્યા છીએ. અમે તેને સાથે મળીને જીતીશું.

હોપ હિકસ કોરોના પોઝિટીવ આવતા અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કરી લખ્યું હતું કે હોપ હિકસ, જે એક પણ નાનકડા બ્રેક વગર એટલી મહેનતથી કામ કરે છે, તેઓ કોરોના પોઝિટિવ થઇ ગયા છે. ધ ફર્સ્ટ લેડી અને હું કોરોના ટેસ્ટના રિઝલ્ટની રાહ જોઈ રહ્યા હતા હવે તે રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

કોરોનાને લઇ ટીકાનો સામનો કરી રહેલા ટ્રમ્પે ફોકસ ન્યૂઝને એક મુલાકાતમાં જણાવ્યું હતું કે, તે પોઝિટીવ નીકળી. તે ખૂબ જ મહેનતુ છે. તે ખૂબ માસ્ક પહેરતી છતાં પોઝિટીવ નીકળી.વ્હાઇટ હાઉસે એક નિવેદનમાં કહ્યું છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ તેમના અને અમેરિકન લોકો માટે કામ કરતા બધા લોકોના સ્વાસ્થ્ય અને સુરક્ષાને ખૂબ જ ગંભીરતાથી લે છે.

(3:11 pm IST)