Gujarati News

Gujarati News

News of Friday, 2nd October 2020

'ધ કપિલ શર્મા શો' બકવાસ અને અશ્લીલ હરકતોથી ભરપૂર છેઃ મુકેશ ખન્ના

'મહાભારત'ના અન્ય કલાકારો સાથે શોમાં બોલાવવામાં આવ્યા હોવા છતા ન ગયા મુકેશ ખન્ના

મુંબઇ, તા.૨: ગત અઠવાડિયે 'ધ કપિલ શર્મા શો' ના એપિસોડમાં બી.આર.ચોપરાના શો 'મહાભારત'ના લીડ એકટર્સ મહેમાન તરીકે જોવા મળ્યા હતા. જોકે, આ એપિસોડમાં સિરિયલમાં ભીષ્મનો રોલ પ્લે કરનાર અભિનેતા મુકેશ ખન્ના આવ્યા નહોતા. મુકેશ ખન્નાને સોશ્યલ મીડિયામાં સતત પૂછવામાં આવી રહ્યું હતું કે, તેઓ શા માટે શોમાં ન દેખાયા. ત્યારે મુકેશ ખન્નાએ એક પછી એક ટ્વીટ કરીને શોમાં ન આવવાનું કારણ કહ્યું હતું. તેમણે આ શોને વાહિયાત, ઢંગધડા વગરનો, અશ્લીલ હરકતો તથા ડબલ મિનિંગથી ભરપૂર કહ્યો હતો. જોકે, મુકેશ ખન્નાએ થોડીવાર બાદ તમામ ટ્વીટ ડિલિટ કરી નાખ્યા હતા.

'ધ કપિલ શર્મા શો'માં ભીષ્મપિતામહનું પાત્ર ભજવતા અભિનેતા મુકેશ ખન્ના શા માટે જોવા ન મળ્યાં એ પ્રશ્ન વારંવાર પુછવામાં આવતા અભિનેતાએ ગુરુવાર, ૧ ઓકટોબરના રોજ સવારે છ ટ્વીટ કરી હતી. આ સાથે જ ફેસબુકમાં પણ એક પોસ્ટ પણ શેર કરી હતી. જોકે, આ તમામ બાબતો તેમણે પછી ડિલિટ કરી નાખી હતી.

મુકેશ ખન્નાએ ટ્વીટમાં લખ્યું હતું કે, 'આ પ્રશ્ન વાયરલ થઈ ગયો છે કે 'મહાભારત' શોમાં ભીષ્મ પિતામહ કેમ નથી? કોઈકે એમ કહ્યું કે તેમને ઈન્વાઈટ કરવામાં આવ્યા નથી. કોઈ કહે છે કે, તેમણે જાતે ના પાડી. સાચી વાત એ છે કે 'મહાભારત' ભીષ્મ વગર અધૂરું છે. સાચી વાત એ છે કમ આમંત્રણ ના આપવાનો તો સવાલ જ નથી. સાચું તો એ પણ છે કે મેં જાતે જ ના પાડી દીધી હતી.'

બીજા ટ્વીટમાં તેમણે લખ્યું હતું કે, 'એ પણ સાચી વાત એ છે કે લોકો મને પૂછશે કે કપિલ શર્મા જેવા મોટા શોને કોઈ કેવી રીતે ના પાડી શકે. મોટામાં મોટા એકટર જાય છે. જતા હશે પરંતુ મુકેશ ખન્ના નહીં જાય. આ જ સવાલ ગુફીએ મને પૂછ્યો હતો કે 'રામાયણ' બાદ આ લોકો આપણને ઈન્વાઈટ કરવાના છે. મેં ત્યારે જ કહ્યું હતું કે તમે બધા જજો, હું નહીં જાઉં.'

ત્રીજી ટ્વીટમાં અભિનેતાએ કહ્યું હતું, 'ભલે કપિલનો શો આખા દેશમાં લોકપ્રિય હોય, પરંતુ મને આનાથી વધારે બકવાસ કોઈ શો લાગતો નથી. ઢંગધડા વગરનો છે, ડબલ મિનિંગથી ભરપૂર અને અશ્લીલતા છે. આ શોમાં પુરુષો સ્ત્રીઓના કપડાં પહેરે છે. હલકી હરકતો કરે છે અને લોકો પેટ પકડીને હસે છે.

ચોથા ટ્વીટમાં મુકેશ ખન્નાએ લખ્યું હતું કે, 'આ શોમાં લોકો શા માટે મોટે-મોટેથી હસતા હોય છે, તે આજ સુધી હું સમજી શકયો નથી. એક વ્યકિતને સેન્ટરમાં સિંહાસન પર બેસાડીને રાખે છે. તેનું કામ હસવાનું છે. હસવું આવે કે ના આવે પણ હસવાનું છે. તેમને આના પૈસા મળે છે. પહેલા આ માટે સિદ્ઘુભાઈ બેસતા હતા. હવે અર્ચના બહેન બેસે છે. કામ? માત્ર હાહાહા કરવાનું.

આગળ પાંચમા ટ્વીટમાં તેમણે લખ્યું હતું કે, 'એક ઉદાહરણ આપીશ, તમે સમજી જશો કે કોમેડીનું સ્તર કેટલું બકવાસ છે. તમે બધાએ આ જોયું હશે. 'રામાયણ'વાળો શો હતો. કપિલે અરૂણ ગોવિલને પૂછ્યું હતું કે તમે બીચ પર છો અને એક વ્યકિત બૂમ પાડીને કહે છે... અરે દેખો રામજી પણ અંડરવિયર પહેરે છે. તમે શું કહેશો?

છેલ્લા ટ્વીટમાં મુકેશ ખન્નાએ લખ્યું હતું કે, 'મેં તો માત્ર પ્રોમો જોયો હતો. આ પ્રોમોમાં અરૂણ ગોવિલ, જે શ્રીરામજીની ઈમેજ લઈને ફરે છે, તે માત્ર સ્માઈલ આપે છે. જેને આખી દુનિયા રામ તરીકે જુએ છે, તેને તમે આવો બકવાસ સવાલ કેવી રીતે પૂછી શકો છો. મને ખ્યાલ નથી કે અરૂણે જવાબમાં શું કહ્યું હતું? હું હોત તો કપિલનો મોં બંધ કરાવી દેત. આથી જ હું નહોતો ગયો.'

(3:57 pm IST)