Gujarati News

Gujarati News

News of Friday, 2nd October 2020

વિશ્વભરમાં ચીન વિરૂધ્ધ ગુસ્સાનો ભારતને ફાયદો : સપ્ટેમ્બરમાં ભારતની નિકાસમાં ૫.૨૭ ટકાનો વધારો

નવી દિલ્હી તા. ૨ : વિશ્વ ભરમાં ચીનના વિરોધનો ભારતને ફાયદો મળી રહ્યો છે. દેશમાં સપ્ટેમ્બરમાં નિકાસ ૫.૨૭ ટકા વધીને ૨૭.૪ અબજ ડોલર રહી, જે સપ્ટેમ્બર ૨૦૧૯માં ૨૬.૦૨ અબજ ડોલરની હતી.

ભારતની નિકાસમાં ૫.૨૭ ટકાનો વધારો થયો છે. જેની સાથે સપ્ટેમ્બર મહિનામાં ભારતની નિકાસ ૨૭.૪ અબજ ડોલર રહી છે. કોરોના બાદ સતત છ મહિના નિકાસમાં ઘટાડો થયો હતો. જે બાદ સપ્ટેમ્બરમાં નિકાસ વધી છે.

વાણિજય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું કે સપ્ટેમ્બર ૨૦૧૯માં ભારતની નિકાસ ૨૬.૨ અબજ ડોલર હતી. તેમને કહ્યું કે ભારતીય અર્થવ્યવસ્થામાં ઝડપથી રિકવરી આવવાના સંકેત છે.

ગોયલે ટ્વીટમાં લખ્યુ હતું કે મેક ઈન ઈન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ. ભારતની નિકાસ ૨૦૨૦માં ગત વર્ષના આ મહિનાની સરખામણીએ ૫.૨૭ ટકા વધારો છે. ગત સપ્ટેમ્બર ૨૦૧૯માં ભારતની નિકાસ ૨૬.૨ અબજ ડોલર હતી. કોવિડ ૧૯ મહામારી અને તેના કારણે વૈશ્વિક સ્તર પર માંગમાં ઘટાડાથી આ માર્ચથી નિકાસમાં ઘટાડો ચાલું હતો. પેટ્રોલિયમ, લેધર ઉત્પાદન, એન્જિનિયરિંગના સામાન અને રત્ન તથા આભૂષણો જેવા પ્રમુખ સેકટરની નિકાસમાં ઘટાડો હતો.

કોરોના બાદ ચીન વિરૂદ્ઘ વિશ્વની નારાજગીનો ભારતને ફાયદો થઈ રહ્યો છે. આંતરરાષ્ટ્રીય બજાર ખુલતા ખરીદદારોએ ઓર્ડર આપવાનું શરૂ કર્યું છે. આનાથી ભારતનું અર્થતંત્ર મજબૂત થશે એવા અણસાર મળી રહ્યા છે. એટલું જ નહી આત્મનિર્ભર ભારતના અભિયાનને પ્રોત્સાહન પણ મળશે.

(4:00 pm IST)