Gujarati News

Gujarati News

News of Friday, 2nd October 2020

સંજય રાઉતે રાહુલ ગાંધી સાથે થયેલા દુર્વ્યવહારને દેશના લોકતંત્ર પર ગેંગરેપ ગણાવ્યો

યોગી સરકાર પર કર્યા પ્રહારો

નવી દિલ્હી તા. ૨ : શિવસેના સાંસદ સંજય રાઉતે યુપીના હાથરસમાં ગેંગરેપ પીડિતાના પરિવારને મળવા જઇ રહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની સાથે કથિત પોલીસ દુર્વ્યવહાર પર યુપીની યોગી સરકાર પર જોરદાર પ્રહારો કર્યા છે. તેમણે રાહુલ ગાંધીની સાથે થયેલી ઘટનાને લોકતંત્રનો ગેંગરેપ ગણાવ્યો છે. સંજય રાઉતે શુક્રવારના રોજ કહ્યું કે જે રીતે રાહુલ ગાંધીનો કોલર પકડયો, ધક્કો માર્યો, પાડ્યા એક રીતે આ દેશના લોકતંત્ર પર ગેંગરેપ છે. આ ગેંગરેપની પણ તપાસ થવી જોઇએ.

શિવસેના સાંસદ સંજય રાઉતે શુક્રવારના રોજ કહ્યું કે એક દલિત છોકરીનો રેપ અને મર્ડર થયું છે. ત્યાં દેશના એક પોલિટિકલ પાર્ટીના મોટા નેતા મળવા જાય છે તો તેમની સાથે આવો વ્યવહાર? તેમણે આગળ કહ્યું કે રાહુલ ગાંધીની સાથે ત્યાંની પોલીસ (યુપી પોલીસ) એ જે રીતે વર્તન કર્યું તેનું સમર્થન દેશમાં કોઇ કરી શકતું નથી. રાહુલ ગાંધી ઇન્દિરા ગાંધીના પૌત્ર છે અને રાજીવ ગાંધીના દીકરા છે. આ આપણે ભૂલવું જોઇએ નહીં. આ લોકોએ દેશ માટે શહીદ થયા છે.

આની પહેલાં શિવસેના સાંસદ સંજય રાઉતે ઉત્તર પ્રદેશના હાથરસમાં પીડિતાના પરિવારને મળવા જઇ રહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની સાથે કથિત પોલીસ દુર્વ્યવહારની આલોચના કરી છે. રાઉતે કહ્યું કે તેમનો ઉદ્દેશ એ સુનિશ્ચિત કરવાનો હતો કે ગરીબ છોકરી અને તેમના પરિવારની તરફથી ન્યાયની માંગણી દુનિયાની સામે આવ્યા નહીં. આપને જણાવી દઇએ કે રાહુલ અને પ્રિયંકા ગાંધી સહિત સેંકડો કોંગ્રેસ કાર્યકર્તાઓને નોઇડા પોલીસે જતા રોકી દીધા હતા.

(4:02 pm IST)