Gujarati News

Gujarati News

News of Friday, 2nd October 2020

IPL 2020: સનરાઇઝર્સ હૈદરાબાદે ચેન્નઈ સુપર કિંગ્સને 7 રને હરાવ્યું

રવિન્દ્ર જાડેજાએ 35 બોલમાં ફિફટી ફટકારી :મહેન્દ્રસિંહ ધોનીએ 47 રન કર્યા

નવી દિલ્હી: ઇન્ડિયન પ્રિમિયર લીગ (IPL 2020)ની 13 સીઝનની 14મી મેચ ચેન્નઈ સુપર કિંગ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાઇ હતી. જેમાં સનરાઇઝર્સ હૈદરાબાદે ચેન્નઈ સુપર કિંગ્સને 7 રનને હરાવી સીઝનની બીજી મેચ જીતી હતી. હૈદરાબાદે ચેન્નઈને જીત માટે 165 રનનો ટાર્ગેટ આપ્યો હતો.

સનરાઇઝર્સ હૈદરાબાદે ટોસ જીતી બેટિંગ કરવા મેદાને ઉતરી હતી. હૈદરાબાદની શરૂઆત સારી રહી ના હતી અને તેની પ્રથમ વિકેટ માત્ર એક જ રને પડી ગઇ હતી. દિપક ચહરે બેયરસ્ટોને (0) બોલ્ડ કર્યો હતો. ત્યારબાદ વોર્નરને મનીષ પાંડેનો સાથ મળ્યો હતો. પરંતુ આ જોડી લાંબી ના ચાલી અને 47 રને તેની બીજી વિકેટ પડી ગઇ હતી. મનીષ પાંડે 29 રન કરી પરત ફર્યો હતો. તે પછી વોર્નર પણ 28 કરી આઉટ થયો હતો. આ વખતે ટીમને વિલિયમનનો પણ સાથ મળ્યો ના હતો અને તે 9 રન કરી રનઆઉટ થયો હતો. ટીમને પ્રિયમ ગર્ગ અને અભિષેકનો સાથ મળ્યો હતો. બંનેએ ટીમ હૈદરાબાદને સન્માનજનક સ્કોરે પહોંચાડ્યો હતો. હૈદરાબાદની ટીમે 20 ઓવરમાં પાંચ વિકેટના નુકશાને 164 રન કર્યા હતા. પ્રિયમ ગર્ગે અણનમ 51 રન કર્યા હતા જ્યારે અભિષેક શર્માએ 31 રન કર્યા હતા.

 

ચેન્નઈ સુપર કિંગ્સના બોલરોએ શાનદાર બોલિંગ કરી હતી. દિપક ચહરે ચાર ઓવરમાં 31 રન આપી 2 વિકેટ ઝડપી હતી. જ્યારે શાર્દુલ ઠાકુર, અને પિયુષ ચાવલાએ 1-1 વિકેટ ઝડપી હતી.

સનરાઇઝર્સ હૈદરાબાદે ચેન્નઈ સુપર કિંગ્સને 20 ઓવરમાં 165 રન કરવા આપ્યા હતા. ચેઝ કરવા ઉતરેલી ચેન્નઈની શરૂઆત ખરાબ રહી હતી અને વોટ્સમન માત્ર 1 રન કરી આઉટ થયો હતો. બે મેચથી બહાર અંબાતિ રાયડૂની ટીમમાં વાપસી થઇ હતી પરંતુ તે પણ કંઇ કરી શક્યો ના હતો અને 8 રન કરી ટી. નટરાજનનો શિકાર બન્યો. ચેન્નઈ તરફથી સૌથી વધુ રન રવિન્દ્ર જાડેજાએ કર્યા હતા. તેણે 35 બોલમાં તેની પહેલી અડધી સદી ફટકારી છે. તે સિવાય મહેન્દ્રસિંહ ધોનીએ 47 રન કર્યા હતા.

સનરાઇઝર્સ હૈદરાબાદની બોલિંગ શરૂઆતમાં સારી રહી હતી. ભુવનેશ્વર કુમારે ટીમને સારી શરૂઆત અપાવી હતી. તેણે શેન વોટ્સનની ઇનિંગની શરૂઆતમાં જ વિકેટ ઝડપી લીધી હતી. જોકે તે તેની ચોથી ઓવરમાં ઇજાગ્રસ્ત થઇ ડ્રેસિંગ રૂમમાં પરત ફર્યો હતો. તે સિવાય ટી નટરાજને 2 વિકેટ ઝડપી હતી. જ્યારે અબ્દુલ સમદે 1 વિકેટ ઝડપી હતી.

(11:52 pm IST)