Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd March 2021

મહારાષ્ટ્રઃ વેકસીનનો બીજો ડોઝ લીધાના થોડીવારમાં જ વ્યકિતનુ઼ મોત

૧૫ મિનિટ સુધી બેભાન રહ્યાઃ હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ

મુંબઈ, તા.૩: મહારાષ્ટ્રમાં વેકસીન લીધાના થોડા સમય બાદ મોતનો મામલો સામે આવ્યો છે. મંગળવારે રાજયમાં કોવિડ-૧૯ વેકસીનનો બીજો ડોઝ લીધાના થોડા સમય બાદ એક વ્યકિતનું મોત થઈ ગયું. સ્વાસ્થ્યકર્મી તરીકે કાર્યરત વ્યકિતએ પહેલો ડોઝ ૨૮ જાન્યુઆરીએ લીધો હતો. હાલ ડોકટરોનું કહેવું છે કે મોતનું અસલી કારણ હજુ જાણી શકાયું નથી. તેઓએ પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવ્યા બાદ સ્થિતિ સ્પષ્ટ થવાની શકયતા વ્યકત કરી છે.

ભિવંડીના રહેવાસી સુખદેવ કિરદત વેકસીનનો બીજો ડોઝ લીધા બાદ ઓબ્ઝર્વેશન રૂમમાં લગભગ ૧૫ મિનિટ સુધી બેભાન રહ્યા. ત્યારબાદ તેમને નજીકમાં આવેલી ઈન્દિરા ગાંધી મેમોરિયલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જયાં તેમણે છેલ્લા શ્વાસ લીધા. બે બાળકોના પિતા કિરદત આંખોના એક ડોકટર માટે ડ્રાઇવર તરીકે કામ કરતા હતા. તેઓએ ૨૮ જાન્યુઆરીએ પહેલો ડોઝ લીધો હતો.

હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોકટર ખરાતે જણાવ્યું કે, સુખદેવ કિરદતે એક મહિના પહેલા કોરોના વેકસીનનો પહેલો ડોઝ લીધો હતો અને ત્યારે કોઈ તકલીફ નહોતી થઈ. ડોઝ આપતા પહેલા તેમનું ચેકઅપ કરવામાં આવ્યું હતું. તેઓએ જણાવ્યું કે, અમને જાણવા મળ્યું કે તેમને દ્યણા વર્ષોથી બ્લડ પ્રેશરની તકલીફ હતી. તેમના પંજામાં સોજાના લક્ષણ જોવા મળી રહ્યા હતા. હોસ્પિટલમાં તેમનું બીપી સામાન્ય હતું અને ઓકિસજન પણ સામાન્ય હતું. તેઓએ વધુમાં જણાવ્યું કે, એ કહેવું મુશ્કેલ છે કે કયા કારણે તેમનું મોત થયું છે. તેના માટે પોસ્ટમોર્ટમ કરવામાં આવશે.

દેશભરમાં ચાલી રહેલા વેકસીનેશનના બીજા ચરણમાં ૬૦ વર્ષથી વધુ ઉંમરના અને ગંભીર બીમારીથી પીડાતા ૪૫ વર્ષથી વધુની ઉંમરના લોકોને વેકસીન આપવામાં આવી રહી છે. પહેલા ચરણમાં સ્વાસ્થ્યકર્મીઓને વેકસીન આપવામાં આવી હતી. મંગળવારે મહારાષ્ટ્રમાં ૩૩ હજાર ૪૪ લોકોને વેકસીન આપવામાં આવી. સોમવારની તુલનામાં મંગળવારે વેકસીન લેવા પહોંચેલા લોકોની સંખ્યા વધી. કોરોના વાયરસની મહામારીથી મહારાષ્ટ્ર ગંભીર રીતે પ્રભાવિત છે.

(3:54 pm IST)