Gujarati News

Gujarati News

News of Thursday, 3rd September 2020

સખત વિરોધ બાદ નિર્ણય

આખરે સીમિત પ્રશ્નકાળ કરાવવા પર રાજી થઇ સરકાર

નવી દિલ્હી તા. ૩ : સંસદના મોનસૂન સત્રમાં પ્રશ્નકાળ રદ્દ કરવાના સરકારના નિર્ણય પર વિપક્ષના ભારે વિરોધ બાદ સરકાર સીમિત પ્રશ્નકાળ કરાવવા પર સહેમત થઈ ગઈ. સંસદીય મામલાના મંત્રી પ્રહલાદ જોશીએ બુધવારે કહ્યું કે સરકાર કોઈ ચર્ચાથી નથી ભાગી રહી. સરકાર અતારાંકિત પ્રશ્નો લેવા તૈયાર છે.

તમામ વિપક્ષી દળોને આ વિશે પહેલા જ જણાવવામાં આવ્યું હતું અને મોટેભાગે આ મામલે રાજી હતા. અતારાંકિત એવા પ્રશ્નો હોય છે, જેનો મંત્રી ફકત લેખિતમાં જવાબ આપે છે, જયારે તારાંકિત પ્રશ્ન પૂછનારાને મૌખિક અને લેખિત બંન્ને ઉત્ત્।રનો વિકલ્પ આપવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને મોનસૂન સત્રમાં પ્રશ્નકાળ સ્થગિત કરવાના નિર્ણયની વિપક્ષે સખત આલોચના કરી છે. કોંગ્રેસ સાંસદ શશી થરૂરે તેને લઈ સરકાર પાસે સ્પષ્ટીકરણ માંગ્યું છે. તેઓએ કહ્યું, મેં ચાર મહિના પહેલા જ કહ્યું હતું કે સત્તાધારી નેતૃત્વ કોરોના મહામારીના બહાને લોકતંત્ર અને મતભેદને દબાવવાના પ્રયાસો કરશે.

આપણને સુરક્ષિત રાખવાના નામે આ કઈ રીતે ન્યાયોચિત ઠેરવી શકાય છે. સરકારને સવાલ પૂછવો સંસદીય લોકતંત્ર માટે ઓકસીજન છે. તેઓએ કહ્યું કે આ સરકારે સંસદને મહજ એક નોટિસ બોર્ડ જેવું બનાવી દીધું છે અને જે પણ પાસ કરાવવું હોય તેના માટે પ્રચંડ બહુમતને રબર સ્ટેમ્પની જેમ ઉપયોગ કરી રહી છે.

જયારે, તૃણમૂલ કોંગ્રેસ સાંસદ ડેરેક ઓબ્રાયને કહ્યું કે, કોરોનાના બહાને લોકતંત્રની હત્યા કરવામાં આવી રહી છે. તેઓએ કહ્યું કે, વિપક્ષી સાંસદ સરકારને અર્થવ્યવસ્થા અને કોરોના પર સવાલ ન પૂછે માટે પ્રશ્નકાળ સ્થગિત કરવામાં આવ્યો છે. ઓબ્રાયને પૂછ્યું કે મોનસૂન સત્રના કામકાજનો સમય લગભગ બરાબર જ છે, તો પ્રશ્નકાળ કેમ રદ્દ કરવામાં આવ્યો.

આ તરફ, રાજદ સાંસદ મનોજ ઝા એ કહ્યું કે આ નિર્ણય નિરાશાજનક છે. કોરોના મહામારીએ ઘણા લોકોના જીવ લઈ લીધા છે, સરહદ પર તણાવ જારી છે, એવા સમયમાં પ્રશ્નકાળને રદ્દ કરી દેવામાં આવ્યો. જયારે કોંગ્રેસ સાંસદ પીએલ પૂનિયાએ આશા વ્યકત કરી કે મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા માટે શૂન્યકાળને જારી રાખવામાં આવે.(૨૧.૩)

 

(9:42 am IST)