Gujarati News

Gujarati News

News of Thursday, 3rd December 2020

કેન્દ્રના નિર્ણયના વિરોધમાં IMA દ્વારા 'સે નો ટુ મિકસોપેથી' અભિયાનનો પ્રારંભ

નોટીફિકેશન અનુસાર આયુર્વેદ ડોકટરોને કેટલીક ખાસ ચીજોના ઓપરેશન કરવાની અનુમતિ આપે છે : આયુષ મંત્રાલયના સચિવ વૈદ્ય રાજેશ કોટેચા : આઇએમએનો સવાલ શોર્ટકટસને માન્યતા આપવામાં આવશે તો NEETની અગત્યતા શું રહેશે ?

રાજકોટ તા. ૩ : કેન્દ્ર સરકારના નિર્ણયથી ઇન્ડિયન મેડિકલ એસોસિયેશનમાં ભારે વિરોધનો વંટોળ ઊભો થયો છે. આઈએમએ એ આ અગાઉ આ નિર્ણયને 'ખીચડીફિકેશન' ગણાવ્યો હતો. હવે આઇએમએ એ હવે આ નિર્ણયના વિરોધમાં 'સે નો ટુ મિકસોપેથી' કેમ્પેનિંગ શરૂ કર્યું છે. જે અંતર્ગત માગણી કરી છે કે સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયન મેડિસિન (સીસીઆઈએમ)નું એ નોટિફિકેશન પરત લેવું જોઈએ, જેમાં આયુર્વેદના સ્નાતકોત્ત્।ર ડોકટરોને જનરલ સર્જરી કરવા માટે તાલીમ આપવા મંજૂરી અપાઈ છે. આયુષ મંત્રાલયને આધીન ભારતીય ચિકિત્સા પ્રણાલીઓના નિયમન સાથે સંકળાયેલ સીસીઆઈએમએ ૨૦ નવેમ્બરે જાહેર કરેલા નોટિફિકેશનમાં ૩૯ જનરલ સર્જરી પ્રક્રિયાઓની યાદી રજૂ કરી હતી, જેમાંથી ૧૯ પ્રક્રિયા આંખ, કાન, નાક અને ગળા સાથે સંબંધિત છે. આ માટે ઈન્ડિયન મેડિસિન સેન્ટ્રલ કાઉન્સિલ (પોસ્ટ ગ્રેજયુએટ આયુર્વેદ એજયુકેશન) રેગ્યુલેશન્સ, ૨૦૧૬માં સંશોધન કરવામાં આવ્યું હતું.

આઈએમએ દ્વારા ૨૨ નવેમ્બરે આ પગલાની નિંદા કરાઈ હતી અને ચિકિત્સા પ્રણાલીઓના મિશ્રણને પાછળ ધકેલનારું અને જીવલેણ પગલું ગણાવ્યું હતું. તેણે એક નિવેદનમાં કહ્યું હતું કે આ મેડિકલ એજયુકેશન અને પ્રેકિટસના 'ખીચડીફિકેશન'નો પ્રયાસ છે. દેશનો સમગ્ર આધુનિક મેડિકલ વ્યવસાય આ પ્રકારની ચીજોથી પોતાને છેતરાયેલો અનુભવે છે. તેણે સંબંધિત નોટિફિકેશન પરત લેવા માટે માગણી કરી છે.

આઈએમએ દ્વારા સવાલ ઉઠાવાયો છે કે જો આ પ્રકારના શોર્ટકટસને માન્યતા આપવામાં આવશે તો પછી NEETની અગત્યતા શું રહેશે? તેણે કહ્યું હતું, 'એ વિવિધ પદ્ઘતિઓની ઘાલમેલને રોકવાનો કોઈપણ ભોગે પ્રયાસ કરશે. દરેક સિસ્ટમને એના જોરે આગળ વધવા દેવી જોઈએ.'

આ બધા વિરોધની વચ્ચે આયુષ મંત્રાલયે કહ્યું આયુષ મંત્રાલયના સચિવ વૈદ્ય રાજેશ કોટેચાએ કહ્યું હતું કે સીસીઆઈએમના નોટિફિકેશનમાં કોઈપણ પ્રકારનો ફેરફાર દર્શાવાયો નથી કે કોઈ નવો નિર્ણય નથી. તેમણે કહ્યું હતું કે નોટિફિકેશન આયુર્વેદ ડોકટરો માટે ઓપરેશનનાં તમામ ક્ષેત્રો ઓપન કરતું નથી, પણ તેમને કેટલીક ખાસ ચીજોના ઓપરેશન કરવાની અનુમતિ આપે છે. કોટેચાએ સ્પષ્ટ કર્યું હતું કે પોસ્ટ ગ્રેજયુએશન કરનારા તમામ તબીબોને ઓપરેશન કરવાની અનુમતિ નથી, પરંતુ જેમણે શલ્ય અને શલ્કયમાં પોસ્ટ ગ્રેજયુએશન કર્યું છે, માત્ર તેઓ જ આ ઓપરેશન કરી શકશે. આયુર્વેદ સંસ્થાઓમાં ૨૦ વર્ષથી ઓપરેશન થાય છે સીસીઆઈએમના સંચાલકમંડળના પ્રમુખ વૈદ્ય જયંત દેવપૂજારીએ જણાવ્યું હતું કે આયુર્વેદિક સંસ્થાઓમાં ૨૦ વર્ષથી ઓપરેશન થાય છે અને આ નોટિફિકેશન માત્ર તેને કાનૂની ઓપ આપે છે.

સમગ્ર દેશમાં મેડિકલ પ્રેકિટસ કરતા જુદી જુદી પદ્ઘતિના તબીબોને એક વ્યવસ્થામાં ગોઠવવા કેન્દ્ર સરકારે આયુર્વેદિક-યુનાની પદ્ઘતિ થી પ્રેકિટસ કરતા તબીબો પણ હવે એલોપેથી પદ્ઘતિથી ૫૮ પ્રકારની સર્જરી કરી શકે તે માટે મહત્વનો નિર્ણય કર્યો છે. પરંતુ આ નિર્ણયનો વિરોધ હવે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન કરી રહ્યું છે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશને આગામી ૮ અને ૧૧ ડિસેમ્બરના રોજ જરૂરી તબીબી સેવા સિવાયની તમામ સેવાઓ બંધ કરી વિરોધ કરશે.

દેશમાં આયુર્વેદને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે મોદી સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આયુર્વેદમાં પોસ્ટ ગ્રેજયુએટ ડોકટરો હવે ૫૮ પ્રકારની સર્જિકલ પ્રોસીજરમાં તાલિમ મેળવવાની સાથે પ્રેકિટસ પણ કરી શકશે. આયુર્વેદના ડોકટરો હવે જનરલ અને ઓર્થોપેડિક સર્જરીની સાથે આંખ, કાન અને ગળાની સર્જરી પણ કરી શકશે. સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયન મેડિસિને ઈન્ડિયન મેડિસિન સેન્ટ્રલ કાઉન્સિલ (પોસ્ટ ગ્રેજયુએટ આયુર્વેદ એજયુકેશન) નિયમ, ૨૦૧૬માં સુધારો કરીને આયુર્વેદના ડોકટરોને ૩૯ સામાન્ય સર્જરી અને આંખ, કાન, નાક અને ગળા સહિત ૧૯ અન્ય સર્જરી કરવાની મંજૂરી આપી છે. મોદી સરકારના આ નિર્ણય સામે ઈન્ડિયન મેડિકલ એસોસિએશેન (આઈએમએ) વિરોધ નોંધાવ્યો છે અને આયુર્વેદના ડોકટરોની સર્જરીને આધુનિક સર્જરી એટલે કે એલોપથી ડોકટરોની સર્જરીથી અલગ રાખવા કેન્દ્ર સરકારને સલાહ આપી છે. આટલા માટે જ ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના તબીબો આગામી ૮ અને ૧૧ ડિસેમ્બરના રોજ જરૂરી તબીબી સેવા સિવાયની તમામ સેવા બંધ રાખી વિરોધ કરશે.

આયુષ મંત્રાલય હેઠળ કાયદાકીય સંસ્થા સીસીઆઈએમે જણાવ્યું હતું કે, આ નિયમને ઈન્ડિયન મેડિસિન સેન્ટ્રલ કાઉન્સિલ (પોસ્ટ ગ્રેજયુએટ આયુર્વેદ એજયુકેશન) અમેન્ડમેન્ટ રેગ્યુલેશન, ૨૦૨૦ કહેવાશે. આ નિયમ હેઠળ આયુર્વેદના શલ્ય અને શાકલ્યના પોસ્ટ ગ્રેજયુએટ ડોકટર્સને અભ્યાસ દરમિયાન પ્રેકિટકલી તાલીમ આપી શકાશે અને પીજીની ડિગ્રી પૂરી કર્યા પછી તેઓ સ્વતંત્ર રીતે ૫૮ પ્રકારની સર્જરી કરી શકશે.

અમારો વિરોધ ઇન્ડિયન મેડિસીન સિસ્ટમ્સ સામે નથી

આઇએમએના પ્રમુખ ડો. જય ધીરવાણી કહે છે

રાજકોટ : ડો. જય ધીરવાણી (આઇએમએ પ્રેસિડન્ટ રાજકોટ)એ જણાવેલ કે, અમારો વિરોધ ઇંડિયન મેડિસિન સિસ્ટમ્સ સામે છે જ નહીં એવી જ રીતે આયુર્વેદનો વિરોધ પણ નથી પરંતુ જે બે કે તેથી વધુ પેથીને ભેગી કરવાનો છે તેની સામે વિરોધ છે. અત્યારે જે સ્થિતિ છે તેને જોતાં મોર્ડન મેડિસિન પધ્ધતિ માટે લોકોનું સ્વાસ્થ્ય મહત્વનુ છે જો આયુર્વેદ કે બીજી કોઈ પેથી છે તેની રીતે સ્વતંત્ર વિકસિત કરવા તરફની કામગીરી થવી જોઈએ જે મિક્ષ્સિફિકેશન થશે તેનાથી કોઈ એક સ્વતંત્ર પેથીનું અસ્તિત્વ જ નહીં રહે અને આ બધાની અસર આખરે લોકોના સ્વાસ્થ્ય ઉપર પડશે.

આયુર્વેદમાં સર્જરીની પ્રક્રિયા એ કોઇ નવી વાત નથી : ડો. સ્તવન શુકલ

રાજકોટ : ડો. સ્તવન શુકલ (આયુર્વેદાચાર્ય)એ જણાવ્યું હતું કે, સુશ્રુત ઋષિને સર્જરીના પિતામહ માનવામાં આવે છે અને વિશ્વમાં પણ જયારે સુશ્રુતના નિયમો અનુસાર સર્જરીની શોધ થઈ હોય ત્યારે આયુર્વેદમાં સર્જરીની પ્રક્રિયા એ કોઈ નવી વાત નથી અત્યારે સરકારે જે નિર્ણય જાહેર કર્યો છે તે એક ઓફિશિયલ સપોર્ટ માટેનો નિર્ણય જાહેર કર્યો છે. આયુર્વેદમાં આ અગાઉ પણ શસ્ત્રક્રિયા થતી જ, જે રીતે એલોપેથીમાં સ્પેશિયલાઇઝડ ડોકટરો છે તેમ આયુર્વેદમાં પણ સ્પેશ્યલાઇઝડ આયુર્વેદચાર્ય છે એમાં પણ ઇએનટી, ઓપ્થેમોલોજી જેવી સ્ટ્રીમ છે. સરકારના આ નિર્ણયને અમે વધાવીએ છીએ.

(3:44 pm IST)