Gujarati News

Gujarati News

News of Friday, 4th December 2020

કોરોનાએ આજે ૧૨નો ભોગ લેતા ફફડાટઃ ૩૨ કેસ

કુલ કેસનો આંક ૧૧,૧૫૪ થયોઃ આજ દિન સુધીમાં કુલ ૧૦,૨૭૯ દર્દીઓએ કોરોના સામે જંગ જીત્યોઃ રિકવરી રેટ ૯૨.૪૨ ટકાએ પહોંચ્યોઃ હોસ્પિટલોમાં ૧૯૦૦ બેડ ખાલી

રાજકોટ, તા.૪:  વૈશ્વિક મહામારી કોરોનાથી શહેર અને જીલ્લામાં  છેલ્લા સપ્તાહથી મૃત્યુની સંખ્યામા સતત વધ-ઘટ જોવા મળી રહી છે ત્યારે આજે ૧૨મોત થયા છે. જયારે  આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં  ૩૨ પોઝીટીવ કેસ આવ્યા છે. 

સરકાર નિયુકત કોવિડ ડેથ - ઓડિટ કમિટિએ જાહેર કર્યા મુજબ રાજકોટ શહેર અને જીલ્લામાં ગઇકાલે  કોરોનાથી  એક  મૃત્યુની નોંધ થઇ છે.

આ અંગે તંત્રની સતાવાર વિગત મુજબ રાજકોટમાં કોરોનાની સારવાર હેઠળ ગઇકાલ તા.૩નાં સવારે ૮ વાગ્યાથી તા.૪ને આજ સવારનાં ૮ વાગ્યા સુધીમાં શહેર - જિલ્લામાં ૧૨ દર્દીઓએ દમ તોડી દીધા હતો.

તંત્રની સતાવાર યાદીમાં કોવીડ-નોન કોવીડ થી શહેર-જીલ્લામાં ૧૨ નાં મૃત્યુ જાહેર થયા છે. જયારે તે જ યાદીમાં સરકાર નિયુકત કોવિડ ડેથ - ઓડિટ કમિટિએ જાહેર કર્યા મુજબ રાજકોટ શહેર અને જીલ્લામાં ગઇકાલે કોરોનાથી ૬ પૈકી એક   મૃત્યુ જાહેર કરવામાં આવ્યું છે.

કોરોનાની સારવાર માટે શહેર અને જીલ્લામાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમા ૧૯૦૦ બેડ ખાલી છે. શહેર - જિલ્લામાં રોજબરોજ જે દર્દીઓના મોત થઇ રહ્યા છે તેમાં મોટી ઉમરના દર્દીઓનો સમાવેશ વધુ થાય છે. 

બપોર સુધીમાં ૩૨ કેસ

આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં   કુલ ૩૨ નવા કેસ સાથે શહેરમાં અત્યાર સુધીમાં કુલ ૧૧,૧૫૪  પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે. અને તે પૈકી ૧૦,૨૭૯ લોકો સાજા થઇને હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ થતા ૯૨.૪૨ ટકા રિકવરી રેટ થયો છે.

ગઇકાલે કુલ ૩૭૪૪ સેમ્પલ લેવાયા હતા.જેમાં ૯૩  કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૨.૪૮ ટકા થયો  હતો. જયારે ૯૧ દર્દીઓને સાજા થયા હતા.

જયારે આજ દિન સુધીમાં ૪,૪૯,૫૯૭ લોકોનાં  ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૧૧,૧૫૪ સંક્રમીત થતા પોઝિટિવ રેટ ૨.૪૭ ટકા થયો છે.

નવા ૧૦ માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન

શહેરમાં  ગઇકાલે  જલારામ સોસાયટી- ૧૫૦ ફુટ રીંગ રોડ, રણછોડનગર- કુવાડવા રોડ, વૈશાલી નગર- રૈયા રોડ, નવ જયોત પાર્ક- ૧૫૦ ફુુટ રીંગ રોડ, તપોવન સોસાયટી- અક્ષર માર્ગ, વિવેકાનંદ એપાર્ટમેન્ટ- કેવડાવાડી, નીલકમલ પાર્ક-સાધુ વાસવાણી રોડ, જનકપુરી સોસાયટી- યુનિવર્સિટી રોડ, નર્મદા પાર્ક-અમીન માર્ગ, શાંતિવન સોસાયટી-યુનિવર્સિટી રોડ   સહિતના નવા ૧૦ વિસ્તારોમાં માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. જયારે હાલમાં ૭૩ માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન કાર્યરત છે.

(2:48 pm IST)