Gujarati News

Gujarati News

News of Friday, 4th December 2020

લોટરી, ગેમ્બલિંગ પર જીએસટી કાયદેસર :સુપ્રીમ કોર્ટ

એક ખાનગી લોટરી કંપનીએ લોટરીને જીએસટીમાં સામેલ કરવાના સરકારના નિર્ણયને કોર્ટમાં પડકાર્યો હતો

નવી દિલ્હી,તા. ૪: સુપ્રીમ કોર્ટે ગુડઝ અને સર્વિસ ટેકસ (જીએસટી)માં લોટરી અને જુગાર (ગેમ્બલિંગ)ના સમાવેશને કાયદેસર ગણાવ્યો છે. લોટરીમાં ઇનામની રકમ પણ ટેકસમાં દાયરામાં આવે છે.  એક ખાનગી લોટરી કંપનીએ લોટરીને જીએસટીમાં સામેલ કરવાના સરકારના નિર્ણયને કોર્ટમાં પડકાર્યો હતો. એક ખાનગી કંપની Skoll Lottoએ લોટરી પર જીએસટી લગાવવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી.

અરજીકર્તા લોટરી ડીલર્સનું કહેવું હતું કે સેન્ટ્રોલ જીએસટી એકટ ૨૦૧૭ અને નોટિફિકેશનમાં ખોટી રીતે લોટરીઓને ગુડ્સ માની લેવામાં આવ્યો હતો. જ્યારે એ એકશનેબલ કલેમ્સમાં આવે છે. સુપ્રીમ કોર્ટે આ બાબતે સાત નવેમ્બરે પોતાનો આદેશ સુરક્ષિત રાખ્યો હતો.

જીએસટી કાઉન્સિલે ગયા વર્ષે ડિસેમ્બરમાં થયેલી બેઠકમાં લોટરી પર એક માર્ચ, ૨૦૨૦ થી ૨૮ ટકા જીએસટી લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ મુદ્દે જીએસટી કાઉન્સિલમાં ઘણો વિચારવિમર્શ થયો હતો. જીએસટી કાઉન્સિલની બેઠકમાં એવું પહેલી વાર થયું હતું કે કોઇ મુદ્દે બહુમતથી નિર્ણય લેવા માટે મતદાનનો સહારો લેવો પડ્યો હતો.

આ પહેલા સુધી લોટરી પર ટેકસની બે પ્રકારની વ્યવસ્થા હતી. જેના હેઠળ રાજ્યની લોટરીના રાજ્યમાં વેચાણ પર ૧૨ ટકા અને રાજ્યની બહાર વેચાણ પર ૨૮ ટકાના દરે જીએસટી લગાડવામાં આવતો હતો. ૨૧ રાજ્યોએ ૨૮ ટકાના દરે જીએસટી લગાવવા માટે ટેકો આપ્યો હતો. જ્યારે સાત રાજ્યોએ એનો વિરોધ કર્યો હતો.

(9:46 am IST)