Gujarati News

Gujarati News

News of Friday, 4th December 2020

આવતા સપ્તાહથી RTGS ૨૪x૭x૩૬૫ ઉપલબ્ધ થશે

રિઝર્વ બેંકના ગવર્નરે કરી જાહેરાત

નવી દિલ્હી, તા.૪: આરબીઆઇ એમપીસીની ત્રણ દિવસ મળેલી બેઠક બાદ આજે રિઝર્વ બેંકના ગવર્નર શકિતકાંત દાસએ રિયલ ટાઇમ ગ્રોસ સેટલમેન્ટ (RTGS)ને ૨૪x૭x૩૬૫ ઉપલબ્ધ કરાવવાની જાહેરાત કરી છે. આ સુવિધા આવતા સપ્તાહથી લાગુ થઈ જશે. જેનો સીધો અર્થ એ છે કે હવે RTGSના માધ્યમથી ચોવીસ કલાક મની ટ્રાન્સફર કરી શકાશે. નોંધનીય છે કે હાલમાં RTGS સિસ્ટમ મહિનાના બીજા અને ચોથા શનિવારે છોડીને સપ્તાહના પ્રારંભિક કામકાજના દિવસોમાં સવારે ૭ વાગ્યાથી સાંજે ૬ વાગ્યા સુધી ઉપલબ્ધ હોય છે.

 RBIના ગવર્નર શકિતકાંત દાસ બેઠક આજે પ્રેસ કોન્ફરન્સ કરી જેમાં અગત્યના નિર્ણય લેવામાં આવ્યા છે. RTGSના ૨૪ કલાક ઉપલબ્ધ કરાવવા ઉપરાંત બેઠકમાં RBIએ વ્યાજ દરોમાં હાલ કોઈ ફેરફાર નહીં કરવાનો નિર્ણય લીધો છે. હાલમાં રેપો રેટ ૪% અને રિવર્સ રેપો રેટ ૩.૩૫% છે. કેશ રિઝર્વ રેશિયો ૩% અને બેંક રેટ ૪.૨૫% છે.

RTGS સર્વિસ ખૂબ જ કામની - RTGS એટલે કે રિયલ ટાઇમ ગ્રોસ સેટલમેન્ટ દ્વારા તાત્કાલિક ફંડ ટ્રાન્સફર કરી શકાય છે. આ મોટા ટ્રાન્જેકશનમાં કામ આવે છે. RTGSના માધ્યમથી ૨ લાખ રૂપિયાથી ઓછી રકમ ટ્રાન્સફર નથી થઈ શકતા. તેને ઓનલાઇન અને બેંક બ્રાન્ચ બંને માધ્યમોની ઉપયોગ કરી શકાય છે. તેમાં પણ કોઈ પ્રકારના ફંડ ટ્રાન્સફરનો ચાર્જ નથી. પરંતુ બ્રાન્ચમાં RTGSથી ફંડ ટ્રાન્સફર કરાવવા પર ચાર્જ આપવો પડશે.

રિઝર્વ બેંકના જણાવ્યુ મુજબ, ભારતીય નાણાકીય માર્કેટમાં વૈશ્વિક એકીકરણના લક્ષ્યને સમર્થન આપવા માટે ચાલી રહેલા કામોને સમર્થન આપવા, ભારતના આંતરરાષ્ટ્રીય નાણાકીય કેન્દ્રોને વિકસિત કરવાના પ્રયાસો અને સ્થાનિક કોર્પોરેટ્સ અને સંસ્થાનો માટે મોટા સ્તર પર ચૂકવણીની ફ્લેકિસબિલીટી ઉપલબ્ધ કરાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

(3:34 pm IST)