Gujarati News

Gujarati News

News of Friday, 4th December 2020

આત્મહત્યા કરનારા ખેડૂતો બીકણ છે : બી.સી. પાટિલ

કર્ણાટકના કૃષિમંત્રીનો જોરદાર બફાટ : ભાજપ પક્ષના નેતાઓ પણ ક્ષોભજનક હાલતમાં મૂકાયા

બેંગ્લુરુ  ,તા.૪ : કર્ણાટકના કૃષિ મંત્રી બી. સી. પાટિલે બફાટ આચરતાં જણાવ્યું છે કે આપઘાત કરનારા ખેડૂતો બીકણ છે. તેમના આ નિવેદનથી ભારે વિવાદ થયો છે. દેશમાં હાલ કૃષિ સુધારાના વિરોધમાં હજારો  ખેડૂતો દિલ્હીમાં આંદોલન કરી રહ્યા છે. કેન્દ્ર સરકાર તેમની સાથે મંત્રણા કરી રહી છે તેવા સમયે જ ખેડૂતો માટે એલફેલ ઉચ્ચારણોથી ભાજપ પક્ષના નેતાઓ પણ ક્ષોભજનક હાલતમાં મૂકાયા છે. પાટિલે કહ્યું હતું કે આપઘાત કરનારા ખેડૂતો બીકણ છે. ડરપોક લોકો જ પોતાની પત્ની અને બાળકોની ચિંતા કર્યા વિના આપઘાત કરે છે.

 આપણે પાણીમાં ડૂબતા હોઇએ તો આપણે તરીને બહાર નીકળવું જોઇએ એમ તેમણે કર્ણાટકના કોડાગુ જિલ્લીના પોન્નામપેટમાં ખેડૂતોને સંબોધન કરતાં જણાવ્યું હતું. પાટિલ ખેડૂતોને સમજાવી રહ્યા હતા કે ખેતી કેટલો નફાકારક વ્યવસાય છે. આમ છતાં પપણ કેટલાક બીકણ લોકો તે સમજી શકતા નથી અને આપઘાત કરી બેસે છે એમ તેમણે કહ્યું હતું. પાટિલના નિવેદનની ટીકા કરતાં કર્ણાટક કોંગ્રેસે જણાવ્યું હતું કે મંત્રીનું નિવેદન ખેડૂત સમુદાય માટે અપમાનકારક છે. તેમણે આ માટે માફી માગવી જોઇએ. મંત્રીએ આવાં નિવેદન કરવાને બદલે ખેડૂતોએ આપઘાત શા માટે કરવો પડે છે તેનાં કારણો તપાસવાં જોઇએ. ખેડૂતોને સિંચાઇ, વીજળી સહિતના પ્રશ્નો નડે છે, પાકના યોગ્ય ભાવ નથી મળતા તેથી તેઓ દેવામાં ઉતરી જાય છે. આ પ્રશ્નોનો હલ કરવાને બદલે મંત્રી બેફામ વાણીવિલાસ કરી ખેડૂતોના ઘા પર મીઠું ભભરાવી રહ્યા છે.

(7:30 pm IST)