Gujarati News

Gujarati News

News of Monday, 5th October 2020

GST કાઉન્સીલની ૪૨મી બેઠક

કોમ્પેન્શેસન સેસની વસુલાત ૨૦૨૨ જુન પછી પણ ચાલુ રાખવા મંજુરી અપાઇ

ચાલુ નાણાકીય વર્ષમાં ૨.૩૫ લાખ કરોડનું GST રેવન્યુ શોર્ટફોલ

નવી દિલ્હી તા. ૫ : જીએસટી કાઉન્સિલની આજે યોજાયેલી બેઠકમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ એ નક્કી કરવામાં આવ્યું છે કે લકઝરી અને બીજી અનેક પ્રકારની વસ્તુઓ પર લાગતા કમ્પેનસેશન સેસને જુન ૨૦૨૨થી પણ આગળ વધારવામાં આવશે. રાજ્યોને નુકસાનથી બચવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે વળતર માટે કેન્દ્ર સરકારના વિકલ્પને ફકત ૨૦ રાજ્યો અને એક કેન્દ્ર શાસિત પ્રદેશે સ્વીકાર કર્યો છે. કોંગ્રેસ અને અન્ય વિપક્ષી દળોના શાસનવાળા વધુ પડતા રાજ્યોએ કેન્દ્રની રજૂઆતને ફગાવી દીધી છે. કેન્દ્રએ આશ્વાસન આપ્યું હતું કે, આ ઉધારીને ચુકવવા માટે લગ્ઝરી અને અન્ય અનેક પ્રકારની વસ્તુઓ પર લાગતા કમ્પેનસેશન સેસને ૨૦૨૨થી પણ વધુ આગળ વધારવામાં આવ્યો છે. નિયમના જણાવ્યા મુજબ આ જીએસટી લાગુ થયા બાદ ફકત પાંચ વર્ષ સુધી જ લાગવાનો હતો.

રાજ્ય અંદાજે ૨.૩૫ લાખ કરોડ રૂપિયાનું જીએસટીનું બાકી રહેલું વળતર કેન્દ્ર સરકાર પાસેથી માંગ કરી રહ્યા છે. તેના બદલામાં કેન્દ્રએ તેને ઉધાર લેવાના બે વિકલ્પ આપ્યા છે પરંતુ કેન્દ્રની આ રજૂઆત અંગે રાજ્ય અલગ-અલગ થયા છે.

રાજ્યોના અંદાજે ૨.૩૫ લાખ કરોડનું જીએસટી વળતર બાકી છે પરંતુ કેન્દ્ર સરકારનું ગણિત એ છે કે તેમાંથી અંદાજે ૯૭ હજાર કરોડનું નુકસાન જ જીએસટી લાગુ થવાના કારણે છે. બાકી અંદાજે ૧.૩૮ લાખ કરોડનું રાજસ્વ નુકસાન કોરોના મહામારી અને લોકડાઉનના કારણે છે.

ઓગસ્ટ મહિનામાં કેન્દ્ર સરકારે રાજ્યોને આ સંકટથી નિપટવા માટે બે વિકલ્પ આપ્યા હતા. પ્રથમ વિકલ્પ એ હતો કે તે ૯૭ હજાર કરોડ રૂપિયા એક મહત્વની ભંડોળમાંથી ઉધાર લે જેની વ્યવસ્થા રિઝર્વ બેંક કરશે. બીજો વિકલ્પ એ છે કે તે સંપુર્ણ ૨.૩૫ લાખ કરોડની રકમને ઉધાર લે.

કેન્દ્રના પ્રસ્તાવનો વિરોધ કરતા રાજ્યોમાં દિલ્હી, કેરળ, પ.બંગાળ, તેલંગાણા, છત્તીસગઢ, તામિલનાડુ સામેલ છે. તેઓએ તેના વિરોધમાં કેન્દ્ર સરકારને પત્ર લખ્યો છે તેઓનું કહેવું છે કે જીએસટીને લાવનારા સંવિધાન સંશોધન મુજબ કેન્દ્ર સરકાર રાજ્યોને વળતર આપવા માટે બંધાયેલ છે.

(3:07 pm IST)