Gujarati News

Gujarati News

News of Sunday, 7th March 2021

મુકેશ અંબાણીના ઘર બહાર મળેલી કાર કેસમાં નવો વળાંક : મોત પહેલા મનસુખ હિરેને મુખ્યમંત્રી સહિતને લખ્યો હતો પત્ર

મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે, રાજ્યના ગૃહમંત્રી અને મુંબઈ પોલીસ કમિશ્નરને લખેલા પત્રમાં મૃતક મનસુખે કાયદેસરની કાર્યવાહી અને પોલીસ સુરક્ષાની માંગ મૂકી હતી

મુંબઈ: મુકેશ અંબાણીના ઘરની બહાર વિસ્ફોટકોથી ભરેલી સ્કોર્પિયો મળવાનું રહસ્ય વધુ ઘેરાતું જઈ રહ્યું છે. આ શંકાસ્પદ સ્કોર્પિયો કારના માલિક હિરેન મનસુખે મોત પહેલા એક પત્ર લખ્યો હતો. જેમાં તેમણે દાવો કર્યો હતો કે, તેમને પોલીસ અધિકારીઓ અને પત્રકારો તરફથી પરેશાન કરવામાં આવી રહ્યાં છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે, રાજ્યના ગૃહમંત્રી અને મુંબઈ પોલીસ કમિશ્નરને લખેલા પત્રમાં મૃતક મનસુખે કાયદેસરની કાર્યવાહી અને પોલીસ સુરક્ષાની માંગ મૂકી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા મુકેશ અંબાણીના ઘરની નજીક એક વિસ્ફોટકોથી ભરેલી કાર મળી આવી હતી. આ કારના માલિક હિરન મનસુખનો મૃતદેહ શુક્રવારે ઠાણેની એક નાળામાંથી મળી આવ્યો હતો. જે બાદ આ કેસમાં નવો વળાંક આવ્યો છે.

આ અંગે પોલીસના અધિકારીનું કહેવુ છે કે, મનસુખ હિરેન ગુરુવારે રાતથી જ ગુમ હતા અને પછી બીજા દિવસે મુંબ્રા રેતી બુંદર રોડ પર આવેલ એક નદીના કિનારે તેમનો મૃતદેહ મળી આવ્યો હતો

 

અંબાણીના ઘરની બહાર મળેલી સ્કોર્પિયો કારના માલિક હિરેન મનસુખે મોતના એક દિવસ પહેલા જ રાજ્યના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને પત્ર લખ્યો હતો. જેમાં તેમણે પોલીસ અધિકારીઓ અને પત્રકારો દ્વારા હેરાનગતિ કરવામાં આવતી હોવાનો આક્ષેપ કર્યો હતો. હિરેને પોતાના પત્રમાં રાજ્યના મુખ્યમંત્રી, ગૃહમંત્રી અને પોલીસ કમિશ્નરને કાયદેસરની કાર્યવાહી અને સુરક્ષા પૂરી પાડવાની માંગ કરી હતી.

2 માર્ચે પોતાના પત્રમાં મનસુખે  જણાવ્યું હતું કે, કેવી રીતે તેની કાર ચોરાઈ હતી અને કેવી રીતે પોલીસ દ્વારા તેમને સતત ટોર્ચર કરવામાં આવી રહ્યાં છે.

બીજી તરફ મહારાષ્ટ્ર વિધાનસભામાં નેતા વિપક્ષ દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, મુખ્ય સાક્ષીના (Hiren Mansukh) મોતથી શંકા જાય છે કે, કંઈક તો ગરબડ છે. હું માંગ કરું છું કે, આ કેસની તપાસ NIA પાસે કરાવવામાં આવે. જ્યારે મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે જણાવ્યું કે, આ કેસ મુંબઈ એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડને ટ્રાન્સફર કરી દેવામાં આવ્યો છે

(12:00 am IST)