Gujarati News

Gujarati News

News of Friday, 8th January 2021

દેશમાં કોવિડ રસીકરણના આયોજન અંગે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી વિવિધ રાજ્યના આરોગ્ય મંત્રીઓ સાથે સમીક્ષા કરતાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો. હર્ષવર્ધન

અન્ય દેશો કરતાં આપણાં દેશમાં કોરોનાનો રીકવરી રેટ ૯૬.૩૫ % જેટલો સારો છે અને મૃત્યુદર ૧.૪૫ % જેટલો ઓછો :નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ: રાજ્યના ૩૩ જિલ્લામાં અને કોર્પોરેશન વિસ્તારમાં અગાઉ મોક ડ્રાયરન પૂર્ણ: આવતીકાલે ૨૪૮ તાલુકાઓમાં તાલુકાદીઠ ત્રણ વેક્સીનેશન સાઇટ ખાતે ટ્રાયલ રન યોજાશે તેમજ શહેરોના ૨૬ ઝોન વિસ્તારમાં: રાજ્યના અંતરિયાળ-ડુંગરાળ વિસ્તારોમાં રસીકરણ અંગે ઓફલાઇન વ્યવસ્થા ગોઠવવા કેન્દ્રીય મંત્રીને અનુરોધ

અમદાવાદ : કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો. હર્ષવર્ધને દેશમાં પ્રવર્તી રહેલા કોરોના વાયરસ સંદર્ભે નાગરિકોને ટુંક સમયમાં રસી ઉપલબ્ધ થનાર છે. આ રસીથી દેશના નાગરિકોને સુરક્ષીત કરવા માટે વિવિધ રાજ્યોના આરોગ્ય મંત્રીશ્રીઓએ કરેલ આયોજન સંદર્ભે કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ.હર્ષવર્ધનજીએ વિડીયો કોન્ફરન્સના માધ્યમ દ્વારા આજે સમીક્ષા કરી હતી.
ડો. હર્ષવર્ધને કોરોના વાયરસની વૈશ્વિક મહામારીના જંગ સામે તમામ રાજ્યો દ્વારા કરાયેલ કામગીરીને બિરદાવતાં કહ્યું કે, તમામ રાજ્યોએ દિન-રાત સતત મહેનત કરી છે અને કોઈપણ પ્રકારની કસર છોડતા નથી. તેના પરિણામે ભારતને કોરોના વાયરસનાં સંક્રમણને અટકાવવા ચોક્કસ સફળતા મળી છે. દેશના વડાપ્રધાન મોદીના નેતૃત્વ અને તેમના માર્ગદર્શન થકી તમામ રાજ્યોના મુખ્યમંત્રીશ્રીઓએ સમયબધ્ધ આયોજન કરેલ જેના પરિણામે આ સફળતા મળી છે. તેમણે ઉમેર્યુ કે, સમગ્ર દેશમાં છેલ્લા એક વર્ષમાં ૧ કરોડ ૩ લાખ ૯૫ હજાર ૨૭૮ કેસ થયા છે. તે પૈકી ૧ કરોડ ૧૬ હજાર લોકોએ કોરોનાને મ્હાત આપી છે. અન્ય દેશો કરતાં ભારતમાં રીકવરી રેટ ૯૬.૩૫ % અને મૃત્ત્યુદર ૧.૪૫ % જે સમગ્ર વિશ્વમાં સૌથી વધુ રીકવરી રેટ છે. વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન હેઠળ દેશમાં ટુંક સમયમાં કોરોનાની રસી ઉપલબ્ધ થનાર છે. આ રસીથી નાગરિકોને સુરક્ષીત કરવા માટે આવતીકાલે સમગ્ર દેશમાં ડ્રાયરન યોજાશે, જેમાં તમામ રાજ્યોને સુચારુ રૂપે આયોજન કરવા તેમણે અનુરોધ કર્યો હતો.
નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે રાજ્ય સરકાર દ્વારા કોરોનાના રસીકરણ સંદર્ભે ગુજરાતે કરેલ આયોજનની વિગતો આપતાં કહ્યું કે, ગુજરાતમાં પ્રથમ તબક્કામાં જે નાગરિકોને રસીથી સુરક્ષીત કરવાના છે તે માટે રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા સંપૂર્ણ આયોજન કરી દેવાયું છે. રાજ્યમાં પ્રથમ તબક્કામાં ૪.૩૩ લાખ સરકારી અને ખાનગી હોસ્પિટલના ડોક્ટર-નર્સ, હેલ્થ વર્કરો, મલ્ટીપર્પઝ વર્કરો, સુપરવાઇઝર, સ્વીપર સહિતના કર્મીઓને આવરી લેવામાં આવનાર છે.  રાજ્યના ૩૩ જિલ્લાઓમાં અને મહાનગરપાલિકાઓમાં મોપ-અપ ડ્રાયરન રાઉન્ડની કામગીરી પણ પૂર્ણ કરી દેવાઇ છે. આ ઉપરાંત કેન્દ્ર સરકાર દ્વારા જિલ્લાઓમાં આ ડ્રાયરનનું આયોજન કરવા જણાવાયું હતું. તે સંદર્ભે ગુજરાતે આગળ વધીને રાજ્યના ૨૪૮ તાલુકાઓ અને ૨૬ ઝોનમાં તાલુકા/ઝોનદીઠ ત્રણ વેક્સીનેશન સાઇટ ખાતે આ ટ્રાયલરન આવતીકાલે યોજવામાં આવશે.
નાયબ મુખ્યમંત્રીએ કેન્દ્રીય મંત્રીને રાજ્યના અંતરિયાળ-ડુંગરાળ વિસ્તારોમાં ઇન્ટરનેટની કનેક્ટીવીટી નહીં મળવાના પ્રશ્નો ઉદભવે છે તેવા સંજોગોમાં રસી અંગે લોકોને જાણકારી આપવામાં તકલીફો પડે છે. આવા સંજોગોમાં ઓફલાઇન વ્યવસ્થા ગોઠવવા સારુ પણ તેમણે અનુરોધ કર્યો હતો. તેમણે ઉમેર્યુ કે, સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ભારત બાયોટેકનોલોજીની રસી ૧૦૦૦ લોકોને આપવા માટેનો ટ્રાયલરન કરવામાં આવ્યો હતો. તે તમામને આ રસી આપી દેવાઇ છે. તેની કોઇને પણ આડઅસર જોવા મળી નથી. બીજા રાઉન્ડમાં પણ ૩૦૦ નાગરિકોને આ રસી આપવામાં આવી છે.
 આ પ્રસંગે આરોગ્યના અગ્ર સચિવ ડૉ.જ્યંતિ રવી, આરોગ્ય કમિશ્નર જયપ્રકાશ શિવાહરે, એન.એચ.એમના ડાયરેકટર પંડ્યા સહિતના આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(10:03 am IST)