Gujarati News

Gujarati News

News of Friday, 8th January 2021

ગાંધી પરિવારના જમાઈ રાજકારણમાં ઝંપલાવશે : રોબર્ટ વાડરાએ કહ્યું-ભાજપ મને પન્ચિંગ બેગ સમજે છે તેની લડવા સંસદ જવું પડશે

વાડ્રાએ કહ્યું રાજકારણમાં ન હોવા છતાં જ્યારે પણ સરકાર મુશ્કેલીમાં હોય છે ત્યારે મારો ઉપયોગ પન્ચિંગ બેગની જેમ કરવામાં આવે છે.”

નવી દિલ્હી : ગાંધી પરિવારના જમાઇ અને કોંગ્રેસ મહામંત્રી પ્રિયંકા ગાંઘીના પતિ રોબર્ટ વાડરાએ છેવટે રાજકારણ પ્રવેશની ઇચ્છા વ્યક્ત કરી દીધી,તેમણે ફાઇનલી કહી દીધું છે કે મારી પોતાની લડાઇ લડવા માટે મારે સંસદમાં જવું પડશે. કારણ કે ભાજપ મને પન્ચિંગ બેગ સમજી રહ્યો છે. તેના માટે બહારથી લડત નહીં ચાલે. Robert Vadra

બેનામી સંપત્તિના મામલે સતત બે દિવસ સુધી પૂછપરછ પૂર્ણ થયા પછી રોબર્ટ વાડરાએ આ એલાન કર્યું. વાડરાએ કહ્યું કે,રાજકીય પરિવાર સાથે સંકળાયેલા હોવાના કારણે મને પરેશાન કરવામાં આવી રહ્યો છે. રાજકારણમાં ન હોવા છતાં, હું રાજકીય લડાઇ લડી રહ્યો છું. જ્યારે પણ સરકાર મુશ્કેલીમાં હોય છે ત્યારે મારો ઉપયોગ પન્ચિંગ બેગની જેમ કરવામાં આવે છે.”

ગુરુવારે એક ન્યૂઝ એજન્સીને આપેલા ઇન્ટરવ્યુમાં રોબર્ટ વાડરાએ પોતાના દિલની વાત કરી. તેમણે કહ્યું કે,“હવે મને લાગે છે કે મેં લાંબા સમયથી બહાર લડાઈ લડી છે. મેં મારી જાતને સમજાવી, પરંતુ તેઓ મને સતત હેરાન કરતાં રહ્યા. આવું એટલા માટે થયું, કારણ કે હું રાજકારણમાં નથી. હું હંમેશા રાજકારણથી દૂર રહ્યો છું.”

વાડરા ભલે રાજકારણમાં નથી પરંતુ મુરાદાબાદમાં થોડા સમય પહેલાં તેમના હોર્ડિંગ્સ લાગ્યા હતા. ત્યારે તેમણે દાવો કર્યો હતો કે “મારૂં બાળપણ અહીં વિત્યુ છે અને અહીંના લોકો ઇચ્છે છે કે હું અહીં રહું.” રોબર્ટ વાડરાએ લોકસભાની ચૂંટણી દરમિયાન રાયબરેલી અને અમેઠીમાં પ્રચાર કર્યો હતો. સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ અહીંથી ચૂંટણી લડી હતી.

વધુમાં જણાવ્યું કે હું એવા પરિવારથી છું કે જે ઘણી પેઢીઓથી આ દેશની સેવા કરતો આવ્યો છે. તેમણે દેશ માટે જીવ આપ્યો છે. મેં તેમને જોયા છે. તેમની પાસેથી શીખ્યો છું. મને લાગે છે કે મારે આ તાકાતની સાથે લડવા માટે સંસદમાં જવું પડશે.

વાડરા જો કે એ કહ્યું કે તેઓ આ અંગે યોગ્ય સમયે નિર્ણય લેશે. હું એવું જગ્યા જોઈશ, જ્યાંનાં લોકો મને મત આપશે અને હું તે લોકોના જીવનમાં પરિવર્તન લાવી શકું છું. જો કે, તેમણે કહ્યું કે આમાં પરિવારની સંમતિ પણ જરૂરી રહેશે. આખો પરિવાર, ખાસ કરીને પ્રિયંકા હંમેશાં મારા નિર્ણયોને સપોર્ટ કરે છે. હું આખા કુટુંબ વિશે વાત કરું છું. જ્યારે તેઓ આને હા કહેશે, ત્યારે હું રાજકારણમાં આવી શકું છું. Vadra

બેનામી સંપત્તિના આરોપો ખોટા: વાડરાએ બેનામી સંપત્તિના આરોપોને ફગાવી દીધા છે. તેમણે કહ્યું કે આ માત્ર અફવાઓ છે. મારી સામે કંઈ પણ નથી. તેઓ જે પણ કહે છે, તેનો કોઈ આધાર નથી.

વાડરાએ કહ્યું હતું કે ‘હું રાજકીય પરિવારનો ભાગ છું અને તેથી અન્ય પક્ષોનો સામનો કરવો પડશે. તેઓ પણ મારા વિશે પણ વાત કરે છે. દેશના લોકો અને મીડિયા પણ અમારો પક્ષ જાણવા માગે છે.

તેમણે વધુમાં જણાવ્યું કે સરકાર વાસ્તવિક મુદ્દાઓથી ધ્યાન હટાવવા માટેનું મને હાથો બનાવી રહી છે. તેમણે કહ્યું કે આ સમયે કોરોનાની મહામારી છે. ખેડુતોના પ્રશ્નો છે. તેઓ પ્રદર્શન કરી રહ્યા છે. આત્મહત્યા કરી રહ્યા છે. આવા વાતાવરણમાં, સરકાર વિચારે છે કે કોઈ એજન્સીને પૂછપરછ માટે મોકલવી જોઈએ તેઓ મને તે જ સવાલ પૂછે છે જેનો જવાબ હું પહેલાં આપી ચુક્યો છે.

વાડરાએ કહ્યું, ‘જ્યારે પણ આવા મુદ્દા સામે આવે છે, જેના પર સરકાર જવાબ આપવા માંગતી નથી, ત્યારે તે અનુભવે છે કે આ મુદ્દાથી લોકોનું ધ્યાન હટાવવામાં આવે. આ મુદ્દાઓને સ્થાને કોઈ અન્ય સમાચારોને લાવવા જોઈએ. આ તમામ આરોપોને અદાલતોમાં સ્પષ્ટ કરવામાં આવ્યા છે. હું બધી એજન્સીઓની સામે મારી પક્ષ સ્પષ્ટ કરી ચુક્યો છું. હું આ નથી કહેતો, પરંતુ લોકો કહે છે કે જ્યારે પણ કોઈ મુશ્કેલીઓ આવે છે ત્યારે મને નિશાન બનાવવામાં આવે છે.’

 તેમણે કહ્યું કે રાહુલ ગાંધીમાં કોંગ્રેસનું નેતૃત્વ કરવાની ક્ષમતા છે. જો કે, પાર્ટીએ નક્કી કરવાનું છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ લોકશાહી પક્ષ છે. અહીં દરેકનો પોતાનો મત છે. જો પક્ષને લાગે કે તેમનામાં કોઈ સંભાવના છે, તો તેઓ તેમને પ્રમુખ તરીકે પસંદ કરશે. પ્રિયંકા પોતાનું કામ પ્રામાણિકપણે કરી રહી છે. દેશના લોકો ઈચ્છે છે કે તેઓ રાષ્ટ્રીય કક્ષાએ વધુ સક્રિય બને. તેમને પોતાને સાબિત કરવા માટે વધુ સમય આપવો જોઈએ.

(12:00 am IST)