Gujarati News

Gujarati News

News of Monday, 8th March 2021

સ્ક્રેપિંગ પોલીસીને લઇને લેવાયો મોટો નિર્ણય

જૂની કારને કરો સ્ક્રેપ અને નવી ખરીદવા મળશે ૫ ટકાનું ડિસ્કાઉન્ટ

નવી દિલ્હી, તા.૮: કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ કહ્યું કે જો તમે જૂની ગાડીને સ્ક્રેપ કરાવ્યા બાદ નવું વાહન ખરીદો છો તે તમને ૫ ટકાની છૂટ મળશે.

જો તમારી ગાડી જૂની થઈ ગઈ છે અને તમે નવી ગાડી લેવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે સારા સમાચાર છે. સ્ક્રેપિંગ પોલિસીના આધારે હવે તમે જૂના વાહનને સ્ક્રેપ કરાવ્યા બાદ નવું વાહન ખરીદો છો તો તમને નવા વાહન પર ૫ ટકાની છૂટ મળે છે. કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ આ વાતની જાહેરાત કરી છે.

ગડકરીએ કહ્યું કે જૂના વાહનોને સ્ક્રેપ કર્યા બાદ વાહન કંપનીઓ ગ્રાહકોને નવા વાહન ખરીદવા પર ૫ ટકાની છૂટ આપશે. સ્ક્રેપિંગ પોલીસીની જાહેરાત ૨૦૨૧-૨૨ના કેન્દ્રીય બજેટમાં કરાઈ હતી. આ પોલીસીમાં ૪ ફેઝ હશે જેમાથી એક ફેઝમાં છૂટ આપવાની વાત કરાઈ છે.

 ઉલ્લેખનીય છે કે પોલીસીના આધારે જૂના વાહનોનો ફિટનેસ ટેસ્ટ કરાવવાનો રહેશે. તેના અનુસાર પર્સનલ વ્હીકલ્સને ૨૦ વર્ષ બાદ અને કર્મશિયલ વ્હીકલ્સને ૧૫ વર્ષ બાદ ફિટનેસ ટેસ્ટ કરાવવાનો રહેશે. ગડકરીએ કહ્યું કે આ પોલીસીના ૪ મુખય ફેઝ છે. છૂટ સિવાય પ્રદૂષણ ફેલાવનારા વાહનો પર ગ્રીન ટેકસ અને અન્ય શુલ્ક પણ વસૂલાશે. તેને અનિવાર્ય ફિટનેસ અને પ્રદૂષણ ટેસ્ટ કરાવાશે. આ માટે દેશમાં ઓટોમેટેડ ફિટનેસ સેન્ટરની જરૂર રહેશે અને અમે આ દિશામાં કામ કરી રહ્યા છીએ.

રિપોર્ટ અનુસાર ફિટનેસ ટેસ્ટને માટે લગભગ ૪૦,૦૦૦ રૂપિયા સુધીનો ખર્ચ આવી શકે છે જે રોડ ટેકસ અને ગ્રીન ટેકસ સિવાયનો રહેશે. આ ફિટનેસ સર્ટિફિકેટ ફકત ૫ વર્ષને માટે માન્ય હશે. તમારા જૂના વાહન ફિટનેસ ટેસ્ટમાં પાસ થઈ જાય છે તો ત્યાર બાદ તેને સડક પર ચાલવાની અનુમતિ મળશે. જો વાહન ટેસ્ટમાં  ફેલ થાય છે તો તેને રજિસ્ટર કરાશે નહીં અને તેને સ્ક્રેપમાં પણ મોકલવા સિવાય કોઈ વિકલ્પ રહેશે નહીં.

(11:05 am IST)