Gujarati News

Gujarati News

News of Monday, 8th March 2021

કાશી વિશ્વનાથમાં શિવલિંગના સ્પર્શ વગરના દર્શન થઇ શકશે

મહાશિવરાત્રિના પર્વ પર લેવાયેલા મહત્વનો નિર્ણય : ભાગદોડની સ્થિતિથી બચવા માટે મંદિર પ્રશાસને નિર્ણય લીધો, બાબા વિશ્વનાથને જળાભિષેક જરૂર કરી શકાશે

નવી દિલ્હી, તા. : દ્વાદશ જ્યોતિર્લિંગો પૈકીના એક કાશી વિશ્વનાથ મંદિરના પ્રશાસન દ્વારા મહાશિવરાત્રીના પર્વ માટે લેવામાં આવેલા નિર્ણયથી શ્રદ્ધાળુઓને દુઃખ પહોંચી શકે છે. દિવસે શ્રદ્ધાળુઓ બાબાના શિવલિંગના સ્પર્શ દર્શન નહીં કરી શકે. મંદિરમાં થતી ભીડ અને ભાગદોડની સ્થિતિથી બચવા માટે મંદિર પ્રશાસને નિર્ણય લીધો છે. જો કે, શ્રદ્ધાળુઓ બાબા વિશ્વનાથને જળાભિષેક જરૂર કરી શકશે. તેના માટે ગર્ભગૃહની બહાર વ્યવસ્થા કરવામાં આવેલીછે.

ઉલ્લેખનીય છે કે, ભગવાન ભોળાનાથની નગરીમાં બે પર્વ ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે. પહેલો સંપૂર્ણ શ્રાવણ મહિનો અને બીજો માતા પાર્વતી અને ભગવાન શિવના વિવાહનો ઉત્સવ એટલે કે મહાશિવરાત્રી.

વારાણસીના કમિશનર દીપક અગ્રવાલે જણાવ્યું કે, ભીડ અને ભાગદોડ જેવી સ્થિતિ સર્જાય તે માટે કાશી વિશ્વનાથ મંદિરના ગર્ભગૃહમાં મહાશિવરાત્રીના દિવસે પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે જે આરતી થાય તેમાં શ્રદ્ધાળુઓ બેસી શકે તે માટે પરિસરમાં કાર્પેટની વ્યવસ્થા કરવામાં આવશે. તે સિવાય મંદિરના ચારેય પ્રવેશ દ્વારથી એન્ટ્રી કરાવવામાં આવશે અને કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરાવવામાં આવશે.

તે સિવાય સુગમ દર્શન અને મંગળા આરતીમાં ભીડને નિયંત્રિત કરવા માટે ટિકિટોની સંખ્યા સીમિત કરી દેવામાં આવી છે અને વીઆઈપી કારને રોકવા વ્યવસ્થા કરવામાં આવી છે.

(8:14 pm IST)